UDAN Yatri Cafe: અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો માટે સારા સમાચાર આવ્યા છે. સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉડાન યાત્રી કાફે શરૂ થયું છે, જે મુસાફરો માટે સસ્તા અને ગુણવત્તાસભર ભોજનની સુવિધા પ્રદાન કરશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડૂએ શુક્રવારે આ કાફેનું ઉદ્ઘાટન કર્યું હતું.
સસ્તું ભોજન અને નાસ્તાની સુવિધા
ટર્મિનલ 1ના ચેક-ઇન હોલમાં આવેલા આ કાફેમાં મુસાફરોને માત્ર ₹20માં નાસ્તા અને ₹10માં ચાની સુવિધા મળશે. ઉડાન યાત્રી કાફેનો ઉદ્દેશ્ય એરપોર્ટ પર ખાવાપીવાની વસ્તુઓને સસ્તી અને સુલભ બનાવવાનો છે, જેથી સામાન્ય મુસાફરોને ભારે ખર્ચ ન વહેવટવો પડે.
અદાણી ગ્રુપની પહેલ
અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડના ડિરેક્ટર જીત અદાણીએ જણાવ્યું કે, “અમે હવાઈ મુસાફરો માટે એરપોર્ટ પર સસ્તું અને ગુણવત્તાસભર ભોજન પ્રદાન કરવા માટે કટિબદ્ધ છીએ. ઉડાન યાત્રી કાફે એરપોર્ટ પર ભોજન ખર્ચ ઘટાડવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.”
મુસાફરો માટે નવો અનુભવ
એરપોર્ટ પર હોટલ અને કાફેમાં ભોજન માટે પ્રવાસીઓને ભારે ખર્ચ કરવાનો પડતો હતો. નવી પહેલ અંતર્ગત, મુસાફરો હવે ઓછી કિંમતમાં સારી ગુણવત્તાનું ભોજન મેળવી શકશે. ઉડાન યાત્રી કાફે મુસાફરો માટે નવો અને અનુકૂળ વિકલ્પ સાબિત થશે.
AIAL અને ઉડાન યોજના
અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (AIAL) દ્વારા સંચાલિત એરપોર્ટ પર આ કાફેની સ્થાપના કરવામાં આવી છે. AIAL, અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) હેઠળ કાર્યરત છે, જે અદાણી એન્ટરપ્રાઇઝિસની એક પેટાકંપની છે. આ પહેલ કેન્દ્ર સરકારની ઉડાન યોજનાને અનુરૂપ છે, જે હવાઈ મુસાફરીને વધુ સસ્તી અને સુલભ બનાવવા માટે કાર્યરત છે.