Vav MLA Swaroopji Thakor: ગાંધીનગર વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન બોલાવાયેલા કલાકારોમાં ઠાકોર સમાજના કલાકારોની અવગણના મામલે વિવાદ ઉઠ્યો છે. આ મુદ્દે બનાસકાંઠાની સંસદ સભ્ય ગેનીબેન ઠાકોરે ટ્વીટ કરીને અસંતોષ વ્યક્ત કર્યો હતો. જોકે, હવે વાવના ભાજપના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે ગેનીબેનના આક્ષેપોને નકારી કાઢતા જણાવ્યું છે કે સરકાર કોઈપણ સાથે ભેદભાવ રાખતી નથી.
વિવાદની શરૂઆત અને વિક્રમ ઠાકોરની નારાજગી
વિધાનસભામાં કેટલાક કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા અને તેમનું સન્માન કરાયું, પરંતુ જાણીતા કલાકાર વિક્રમ ઠાકોરને આમંત્રણ ન મળતા તેમણે નારાજગી વ્યક્ત કરી હતી. વિક્રમ ઠાકોરે જણાવ્યું કે:”મને ન બોલાવ્યું એ મુદ્દો નથી, પરંતુ ઠાકોર સમાજના એકપણ કલાકારને આમંત્રણ ન મળ્યું એ દુઃખદ છે. નિર્ણય લેતા લોકોને સર્વસમાવેશી દ્રષ્ટિ રાખવી જોઈએ. લોકશાહીના મંદિરમાં દરેક સમાજને પ્રતિનિધિત્વ મળવું જોઈએ.”
સરકારની સ્પષ્ટતા
વિવાદ પર પ્રતિક્રિયા આપતા ભાજપ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું: “કોઈપણ કલાકાર સાથે ભેદભાવ રાખવામાં આવ્યો નથી. જેને સૂચના અપાઈ તે કલાકારો વિધાનસભામાં આવ્યા હતા. સત્રની પ્રક્રિયા નિહાળવા માટે આમંત્રણ અપાયું હતું અને અધ્યક્ષશ્રીએ તેમનું સન્માન કર્યું. અમારું માનવું છે કે દરેક કલાકાર સમાન છે અને કોઈપણ જાતિથી ઉપર હોય છે.”
તેમણે વધુમાં ઉમેર્યું કે, “જેને જે કહેવું હોય તે કહી શકે, અમારી પાર્ટી કોઈ કલાકારનું અપમાન કરતી નથી. ભવિષ્યમાં દરેક કલાકારને આમંત્રણ મળશે અને તેઓ આવી શકશે.”
ભવિષ્યમાં વધુ સમાનતાની આશા
આ સમગ્ર મામલે વિપરીત મતો સામે આવી રહ્યાં છે, પરંતુ સરકાર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે કોઈ જાતિ કે સમુદાયના કલાકારો સાથે ભેદભાવ રાખવાનો કોઈ ઈરાદો ન હતો. ભવિષ્યમાં તમામ કલાકારોને સમાન અવકાશ મળે તે માટે સરકાર સંકલ્પબદ્ધ છે.