ઈરાન વિરુદ્ધ સૈન્ય અભિયાનમાં જોડાવાનો NATO દેશોનો ઇનકાર! ટ્રમ્પ થયા ભારે નારાજ!

Donald Trump angry at NATO

Donald Trump angry at NATO: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના જ સહયોગી દેશો સામે ભારે નારાજગી અને ગુસ્સો વ્યક્ત કર્યો છે. ટ્રમ્પે મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઈરાન વિરુદ્ધ અમેરિકાના સૈન્ય અભિયાનમાં જોડાવાનો મોટાભાગના નાટો (NATO) દેશોએ ઇનકાર કરી દીધો છે. સહયોગી દેશોના આવા પીછેહઠ વાળા વલણથી રોષે ભરાયેલા ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે હવે અમેરિકાને ઈરાનના ‘આતંકી શાસન’ સામે લડવા માટે કોઈના પણ બાહ્ય સમર્થન કે મદદની બિલકુલ જરૂર નથી.

નાટો દેશોના આ વલણ પર પ્રતિક્રિયા આપતા ટ્રમ્પે કહ્યું કે તેમને આનાથી કોઈ જ આશ્ચર્ય થયું નથી. તેમણે નાટોને એક ‘એકતરફી વ્યવસ્થા’ ગણાવતા કટાક્ષ કર્યો હતો કે અમેરિકા હંમેશા તેમની રક્ષા કરે છે, પરંતુ જ્યારે અમેરિકાને જરૂર પડે છે ત્યારે તેઓ કોઈ જ મદદ માટે આગળ આવતા નથી. જોકે, ટ્રમ્પે એ વાતની ખાતરી આપી કે તમામ દેશો એ બાબતે તો સહમત છે જ કે ઈરાનને કોઈપણ ભોગે પરમાણુ હથિયાર (Nuclear weapon) મેળવવા દેવું જોઈએ નહીં.

Donald Trump angry at NATO અમેરિકી સેનાની સફળતાનો દાવો

ટ્રમ્પે એવો દાવો કર્યો છે કે અમેરિકી સેનાએ ઈરાનની સૈન્ય ક્ષમતાને મોટા પ્રમાણમાં નબળી પાડી દીધી છે. અમેરિકાએ ઈરાનની નૌસેના, વાયુસેના, એર ડિફેન્સ અને રડાર સિસ્ટમને લગભગ નષ્ટ કરી દીધી છે અને તેમના ટોચના નેતૃત્વને પણ ખતમ કરી દીધું છે. આ મોટી સૈન્ય સફળતાઓ પછી હવે અમેરિકાને અન્ય કોઈ દેશની સહાયની જરૂર રહી નથી.

બ્રિટન અને અન્ય એશિયન સહયોગીઓ પર પણ નિશાન

ટ્રમ્પે માત્ર નાટો જ નહીં, પરંતુ જાપાન, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ કોરિયા જેવા એશિયન ભાગીદારો પર પણ નિશાન સાધ્યું છે. તેમણે બ્રિટનનો ઉલ્લેખ કરતા કહ્યું કે શરૂઆતમાં તેમણે બ્રિટન પાસે કેટલાક યુદ્ધપોત મોકલવાની અપીલ કરી હતી, પરંતુ યોગ્ય પ્રતિસાદ મળ્યો ન હતો. ટ્રમ્પે રોષ ઠાલવતા કહ્યું કે તેમને મદદ શરૂઆતમાં જોઈતી હતી, હવે જીત બાદ નહીં.

હોર્મુઝ જળમાર્ગ અને વૈશ્વિક સંકટ

નોંધનીય છે કે 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર કરાયેલા હુમલા બાદ આ યુદ્ધ શરૂ થયું હતું. જેના પગલે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) માં જહાજોની અવરજવર પ્રભાવિત કરી છે. આ જળમાર્ગ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ઓઇલ રૂટ્સમાંનો એક છે, જ્યાંથી 20% વૈશ્વિક તેલ પસાર થાય છે, જેના કારણે હાલમાં વૈશ્વિક ઊર્જા સંકટ ઊભું થવાનો મોટો ખતરો મંડરાઈ રહ્યો છે.

 

આ પણ વાંચો: ઇઝરાયલનો મોટો દાવો: ઈરાનના સૌથી તાકાતવર સુરક્ષા અધિકારી Ali Larijani હવાઈ હુમલામાં ઢેર!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *