Israel attack Iranian naval infrastructure : ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ હવે નવા વિસ્તારોમાં ફેલાઈ રહ્યું છે. ગુરુવારે ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ દાવો કર્યો હતો કે તેણે પ્રથમ વખત કેસ્પિયન સાગરમાં ઈરાની નૌકાદળના ઠેકાણાઓ પર ભીષણ હુમલા કર્યા છે. આ હુમલામાં ઈરાની નૌકાદળના જહાજો, કમાન્ડ સેન્ટર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન પહોંચ્યું છે.
Israel attack Iranian naval infrastructure ઈઝરાયેલનો હુમલો
ઈઝરાયેલની સેનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર માહિતી આપી છે કે આ ઓપરેશનમાં મિસાઈલથી સજ્જ જહાજો, સપોર્ટ વેસલ્સ અને ગાર્ડ શિપ્સને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, નૌકાદળના જહાજોના સમારકામ અને જાળવણી માટે વપરાતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા દ્વારા ઈઝરાયેલે સાબિત કર્યું છે કે તે ઈરાનના કોઈ પણ છેડે પહોંચીને પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે.
ઈરાનની ૧૧ સબમરીન તબાહ થયાનો અમેરિકાનો દાવો
બીજી તરફ, અમેરિકાના રક્ષા મંત્રી પીટ હેગસેથે ઈરાનની નૌકાદળની ક્ષમતા પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે ઈરાન પાસે જે ૧૧ સબમરીનનો કાફલો હતો, તે હવે સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે. હેગસેથના જણાવ્યા અનુસાર, ઈરાનનું સપાટી પરનું નૌકાદળ હવે કોઈ મહત્વ ધરાવતું નથી. અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ કામ પૂરું કરીને જ જંપશે.
ઈરાનનું ‘ઓપરેશન ટ્રુ પ્રોમિસ ૪’
ઈઝરાયેલના હુમલા પહેલા ઈરાને પણ ‘ઓપરેશન ટ્રુ પ્રોમિસ ૪’ ની ૬૪મી લહેર શરૂ કરી હતી. ઈરાની મીડિયા મુજબ, આ અભિયાન અમેરિકા-ઈઝરાયેલ ગઠબંધનની આક્રમક કાર્યવાહીના જવાબમાં શરૂ કરવામાં આવ્યું હતું. બંને દેશો વચ્ચે વધતા જતા આ હુમલાઓએ મધ્ય પૂર્વમાં ભયાનક યુદ્ધની સ્થિતિ પેદા કરી છે.
આ પણ વાંચો: ઈરાન પર આજે સૌથી મોટો હુમલો થશે’, અમેરિકાના રક્ષા મંત્રી પીટ હેગસેથે આપી ચેતવણી

