મહેમદાવાદમાં તસ્કરોનો આતંક: નડિયાદી દરવાજા પાસે એકસાથે 10 દુકાનોના તાળા તૂટ્યા, PI ની બદલી થતા જ ચોરોને મળ્યું મોકળું મેદાન

મહેમદાવાદ ચોરી

મહેમદાવાદ ચોરી: મહેમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે એક મોટો સવાલ ઊભો કરતી ઘટના સામે આવી છે. શહેરમાં તસ્કરોએ જાણે પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેમ એક જ રાતમાં એકસાથે 10 દુકાનોના તાળા તોડીને હાથફેરો કર્યો છે. આ મોટી ઘટનાને પગલે સમગ્ર મહેમદાવાદ પંથકમાં અને ખાસ કરીને વેપારી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

મહેમદાવાદ ચોરી: નડિયાદી દરવાજા પાસેની દુકાનો બની ટાર્ગેટ

મળતી માહિતી મુજબ, તસ્કરોએ શહેરના ધમધમતા વિસ્તાર એવા નડિયાદી દરવાજા બહાર અને સ્ટેટ બેંકની આસપાસ આવેલી દુકાનોને પોતાનો નિશાન બનાવી હતી. રાત્રિના અંધારામાં તસ્કરોએ એક પછી એક એમ કુલ 10થી વધુ દુકાનોના શટર ઉંચા કરી અને તાળા તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને ચોરીની ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ગયા હતા.

 PI સોલંકીની બદલીનો તસ્કરોએ ઉઠાવ્યો લાભ

આ ચોરીની ઘટના પાછળ એક મોટું કારણ પોલીસ તંત્રમાં થયેલો ફેરફાર માનવામાં આવી રહ્યો છે. માત્ર એક દિવસ પહેલા જ મહેમદાવાદના પીઆઇ સોલંકીની બદલી કરવામાં આવી હતી. એવું લાગી રહ્યું છે કે તસ્કરો પોલીસની આ આંતરિક હિલચાલ અને નવી નિમણૂક વચ્ચેના સમયગાળાનો પૂરેપૂરો ફાયદો ઉઠાવી ગયા છે અને બેખોફ બનીને આટલી મોટી ઘરફોડ ચોરીને અંજામ આપ્યો છે.

પોલીસ તપાસનો ધમધમાટ શરૂ

વહેલી સવારે દુકાનોના તાળા તૂટેલા હોવાની જાણ થતાં જ વેપારીઓ અને સ્થાનિકોના ટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ મહેમદાવાદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલમાં આ 10 દુકાનોમાંથી રોકડ કે કેટલી કિંમતનો મુદ્દામાલ ચોરાયો છે, તેની પ્રાથમિક તપાસ ચાલી રહી છે. પોલીસે આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ ચેક કરીને બાતમીદારોને સક્રિય કરીને આ તસ્કરોનું પગેરું શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

અહેવાલ: સમીર બી.મલેક 

આ પણ વાંચો: કોંગ્રેસે કદર ન કરતા ઇકબાલ શેખનો છલક્યો ‘ઔવેસી પ્રેમ’! રાજીનામું આપીને કર્યા આકરા પ્રહાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *