Kesarisinh Solanki : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જમાવટ વચ્ચે સત્તાધારી પક્ષ ભાજપને ખેડા જિલ્લામાં એક મોટો રાજકીય ફટકો પડવા જઈ રહ્યો છે. ખેડા જિલ્લાના માતર (Matar) વિધાનસભા મતવિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને મોટા ક્ષત્રિય નેતા કેસરીસિંહ સોલંકીએ ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે છેડો ફાડીને સત્તાવાર રીતે કોંગ્રેસ (Congress) નો હાથ પકડવાની પૂરી તૈયારીઓ કરી લીધી છે.
Kesarisinh Solanki: આ કારણથી સર્જાયો વિવાદ
કેસરીસિંહ સોલંકી લાંબા સમયથી ભાજપ સાથે જોડાયેલા હતા. પરંતુ, ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ એટલે કે ‘અમૂલ’ (Amul) ની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં તેમણે પક્ષની લાઈન અને સત્તાવાર વલણ વિરુદ્ધ જઈને કામગીરી કરી હતી. આ પક્ષ વિરોધી પ્રવૃત્તિ (Anti-party Activity) અને શિસ્તભંગના આક્ષેપો બદલ ભાજપ હાઈકમાન્ડે આકરા પગલાં લેતા તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા.
ભાજપને માતરમાં થઈ શકે છે મોટું નુકસાન
સસ્પેન્શન બાદ નારાજ ચાલી રહેલા કેસરીસિંહ સોલંકીએ હવે કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય લીધો છે. માતર અને આસપાસના વિસ્તારોમાં સોલંકીનું વ્યક્તિગત અને સામાજિક પ્રભુત્વ ઘણું મજબૂત માનવામાં આવે છે. સ્થાનિક ચૂંટણીઓ માથા પર છે ત્યારે તેમના કોંગ્રેસમાં જોડાવાથી ક્ષત્રિય અને અન્ય સ્થાનિક સમાજના મતોમાં મોટું વિભાજન જોવા મળી શકે છે, જે સીધી રીતે ભાજપના ઉમેદવારો માટે મુશ્કેલી ઊભી કરશે. આ ઘટનાક્રમથી સમગ્ર ખેડા જિલ્લાના રાજકીય સમીકરણો રાતોરાત બદલાવાની પૂરી શક્યતા છે.
આ પણ વાંચો: અમદાવાદ AMC ચૂંટણી માટે ભાજપે તમામ 48 વોર્ડ માટે ઉમેદવારો કર્યા જાહેર,અનેક દિગ્ગજોના કપાયા પત્તા!

