મહેમદાવાદ : સમાજમાં જ્યારે દુઃખનો સમય આવે ત્યારે સાથ આપવો એ જ સાચી માનવતા છે. આ ઉક્તિને સાર્થક કરતા મહેમદાવાદમાં સામાજિક સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. સ્થાનિક લોકોના સાથ-સહકાર અને લોકફાળાથી તૈયાર કરવામાં આવેલી નિઃશુલ્ક ‘આખરી સફર’ વાન (શબવાહિની) આજે લોકસેવા અર્થે ખુલ્લી મુકવામાં આવી છે.
મહેમદાવાદ : ‘આખરી સફર’ વાન નિ:શુલ્ક સેવા
પરિવારના સ્વજન ગુમાવવાના કપરા સમયે કોઈને આર્થિક કે વ્યવહારિક મુશ્કેલી ન પડે તેવા ઉમદા હેતુથી આ વાન તૈયાર કરવામાં આવી છે. ડીબીએમ ફાઉન્ડેશન (DBM Foundation), મહેમદાવાદ દ્વારા શરૂ કરાયેલી આ ‘આખરી સફર’ વાન દ્વારા અંતિમ વિદાય માટે બિલકુલ નિઃશુલ્ક સેવા પૂરી પાડવામાં આવશે. વિશેષ વાત એ છે કે આ સેવા માત્ર શહેર પૂરતી સીમિત નહીં રહે, પરંતુ સમગ્ર તાલુકામાં પણ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે.

મહેમદાવાદતાલુકાના ગામનો પણ સમાવેશ સેવામાં કરાયો
આ નિઃશુલ્ક સેવાનો સીધો લાભ મહેમદાવાદ શહેર ઉપરાંત તાલુકાના નેનપુર, આમસરણ, કનીજ, રાસકા, ઝીંઝર, અરેરી, કેશરા, વાંઠવાળી, વરસોલા, પહાડ, ઘોડાસર અને હલદરવાસ સહિતના અનેક ગામોના લોકોને મળશે.
ટ્રસ્ટીઓએ ઉઠાવી ભારે જહેમત
આવા ભગીરથ અને પુણ્યના કાર્યને સફળ બનાવવા માટે ટ્રસ્ટના આગેવાનો અને સ્થાનિક લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ સેવાકીય પ્રોજેક્ટને સાકાર કરવામાં મુખતિયાર બાવા, અનીશભાઈ વોરા, ફિરોજભાઈ વોરા, અફજલભાઈ સૈયદ, ઇકબાલભાઈ વોરા અને રિયાઝભાઈ મલેક સહિતના અનેક મહાનુભાવોનો વિશેષ સહયોગ રહ્યો છે. તમામના સહિયારા પ્રયાસોથી આજે આ મોટું કામ પૂર્ણ થતાં ‘આખરી સફર’ વાન લોકસેવા અર્થે ખુલ્લી મુકાઈ છે, જેની સમગ્ર પંથકમાં ભારે પ્રશંસા થઈ રહી છે. નોંધનીય છે કે સંસ્થાના આગેવાનોએ ખાતરી આપી છે કે છેવાડાના માનવી સુધી આ સેવાનો લાભ પહોંચાડવામાં આવશે અને ભવિષ્યમાં પણ માનવતાના આવા કાર્યો અવિરતપણે ચાલુ રહેશે.
આ પણ વાંચો: ધંધુકામાં હત્યા બાદ સતત ત્રીજા દિવસે તણાવ: હિંસા અને આગચંપીથી વેપારીઓ પાયમાલ, એસઆઈટી દ્વારા તપાસ તેજ

