PM મોદી ગુજરાત પ્રવાસે: જામનગરમાં ભવ્ય સ્વાગત, સોમનાથમાં અમૃત મહોત્સવની આપશે હાજરી

PM Modi Jamnagar Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. રવિવારે મોડી રાત્રે જામનગર એરપોર્ટ પર વડાપ્રધાનનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમના આગમનને લઈને સમગ્ર જામનગરમાં અનેરો ઉત્સાહ અને દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના મુખ્ય માર્ગોને રોશનીથી શણગારવામાં આવ્યા છે અને જામનગરવાસીઓ પોતાના લાડકા નેતાને આવકારવા રસ્તા પર ઉમટી પડ્યા છે.

 PM Modi Jamnagar Visit : લાલ બંગલા ખાતે જનમેદનીને સંબોધન

જામનગર એરપોર્ટ પર ઉતરણ કર્યા બાદ વડાપ્રધાન મોદીનો કાફલો લાલ બંગલો વિસ્તારમાં પહોંચ્યો હતો, જ્યાં વિશાળ જનમેદની પીએમની એક ઝલક મેળવવા આતુર જોવા મળી હતી. અહીં વડાપ્રધાન જનતાનું અભિવાદન ઝીલીને ટૂંકું સંબોધન પણ કરવાના છે. ત્યારબાદ તેઓ જામનગર સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે.

 

સોમનાથમાં ‘અમૃત મહોત્સવ’ અને કરોડોના વિકાસકામો

સોમવારે વહેલી સવારે વડાપ્રધાન જામનગરથી સીધા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના શરણે પહોંચશે. સોમનાથમાં હાલ ‘સોમનાથ અમૃત મહોત્સવ’ની ઉજવણી ચાલી રહી છે, જેમાં વડાપ્રધાન વિશેષ ઉપસ્થિતિ નોંધાવશે.

મહાપૂજા: પીએમ મોદી સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવી વિશેષ પૂજા-અર્ચના અને અભિષેક કરશે.

વિકાસકામો: આ અવસરે વડાપ્રધાનના હસ્તે સોમનાથ ક્ષેત્ર માટે કરોડો રૂપિયાના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.

વડોદરાની પણ લેશે મુલાકાત

સોમનાથના કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન વડોદરા જવા રવાના થશે. વડોદરામાં પણ વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ અને સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમના આ પ્રવાસને લઈને રાજ્યના વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: PM મોદીની દેશવાસીઓને અપીલ: ‘એક વર્ષ સુધી સોનાના ઘરેણાં ન ખરીદો’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *