Gujarat Heatwave : ગુજરાતમાં ઉનાળો હવે તેના આકરા મિજાજમાં જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યભરમાં કાળઝાળ ગરમી અને લૂ (Heatwave) ફૂંકાઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા મોટા શહેરોમાં તાપમાનનો પારો 41 થી 45 ડિગ્રીની વચ્ચે રહેવાની શક્યતા છે, જેને પગલે અનેક જિલ્લાઓમાં ‘ઓરેન્જ’ અને ‘યલો’ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
Gujarat Heatwave : કયા જિલ્લાઓમાં ‘ઓરેન્જ એલર્ટ’ અને ક્યાં ‘યલો એલર્ટ’?
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસનો રોડમેપ નીચે મુજબ છે:
12 મે: કચ્છ, સુરેન્દ્રનગર અને સુરતમાં હીટવેવની વ્યાપક અસરને કારણે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, વડોદરા, બનાસકાંઠા અને અમરેલીમાં યલો એલર્ટ રહેશે.
13 મે: વડોદરા, સુરેન્દ્રનગર અને કચ્છમાં હીટવેવ વધવાની શક્યતાએ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
14 મે: વડોદરા અને કચ્છમાં ગરમીનું જોર યથાવત રહેતા ઓરેન્જ એલર્ટ જારી રહેશે. આ સિવાયના અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટના કારણે સાવચેતી રાખવા સૂચના અપાઈ છે.
ક્યારે મળશે ગરમીમાંથી રાહત?
હવામાન વિભાગના મતે આગામી ત્રણ દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે. જોકે, ત્રણ દિવસ બાદ એટલે કે 15 મે પછી રાજ્યના મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની શક્યતા છે, જેનાથી નાગરિકોને ગરમીમાંથી આંશિક રાહત મળી શકે છે.
ચોમાસાના આગમન માટે સાનુકૂળ સંકેતો
ગરમીના આકરા પ્રકોપ વચ્ચે સારા સમાચાર એ છે કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસા માટે સાનુકૂળ વાતાવરણ બની રહ્યું છે. આ સપ્તાહના અંત સુધીમાં આંદામાન-નિકોબાર ટાપુઓ અને દક્ષિણ બંગાળની ખાડીમાં ચોમાસું દસ્તક દઈ શકે છે. હાલમાં પશ્ચિમ રાજસ્થાન અને મધ્યપ્રદેશ પર સક્રિય ચક્રવાતી પવનોને કારણે આગામી દિવસોમાં હવામાનમાં પલટો આવવાની સંભાવના છે.
આ પણ વાંચો: AMC માં નોકરીની તક: ફાયર વિભાગમાં 172 સહાયક ફાયરમેનની ભરતી જાહેર

