Dr Gulamnabi Vohra Biography : પ્રેરણાદાયી વ્યક્તિત્વ અને અસાધારણ સંઘર્ષ પછી મેળવેલી સફળતાની કહાની હંમેશાં સમાજ માટે એક નવો રાહ ચીંધતી હોય છે. મહેમદાવાદના વતની એવા ડૉ. ગુલામનબી વહોરા [Dr. Gulamnabi Vohra] ના જીવનના સંઘર્ષ અને તેની ફલશ્રુતિ સમાન સફળતાની ગાથા હવે પુસ્તક સ્વરૂપે વાચકો સમક્ષ આવી છે. જાણીતા લેખક બીરેન કોઠારી [Biren Kothari] દ્વારા આલેખિત અને ડૉ. ગુલામનબી વહોરાના જીવન પર આધારિત આ પુસ્તકનું શીર્ષક ‘હૈયું, મસ્તક, હાથ’ રાખવામાં આવ્યું છે, જે તેમના જીવનના વિવિધ આયામોને ઉજાગર કરે છે.

ડૉ. ગુલામનબી વહોરાના જીવનસંઘર્ષ પરથી પ્રેરણા લઈને આજના યુવાનોએ એ શીખવું જોઈએ કે જીવનમાં ગમે તેટલા આર્થિક કે સામાજિક ચઢાવ-ઉતાર આવે, પરંતુ શિક્ષણ ક્યારેય અટકવું ન જોઈએ. બાળપણથી જ મર્યાદિત સાધનો અને ‘પાપી પેટ’ માટેના સંઘર્ષો વચ્ચે પણ જેમ ડૉ. ગુલામનબીની માતાએ તેમના અભ્યાસને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી અને અડચણોને પાર કરી, તે જ રીતે આજના યુવાવર્ગે પણ દરેક મુશ્કેલીને અવસરમાં બદલીને પોતાની કેળવણી અને લક્ષ્ય પ્રત્યે હંમેશાં સમર્પિત રહેવું જોઈએ.

Dr Gulamnabi Vohra Biography : સામાન્ય પરિસ્થિતિથી શરૂ થયેલી મુસાફરી
મહેમદાવાદના એક સામાન્ય મુસ્લિમ વહોરા પરિવારમાં સાત-આઠ ભાઈબહેનો સાથે ઉછરેલા ડૉ. ગુલામનબીનું પ્રારંભિક જીવન સામાજિક મૂલ્યો અને મર્યાદિત આર્થિક પરિસ્થિતિ વચ્ચે વીત્યું હતું. બાળપણથી જ ‘પાપી પેટ’ અને જીવન ટકાવી રાખવાની જિજીવિષા વચ્ચેનો સંઘર્ષ કેવો હોય છે તેની પ્રત્યક્ષ અનુભૂતિ તેમને થઈ હતી. પરિવારની આર્થિક મજબૂરીઓ વચ્ચે તેમના માતા ફાતિમાબહેનની દ્રઢ સંકલ્પશક્તિ અને દીકરાના શિક્ષણ પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા અદ્ભુત રહી હતી. “મારો ગુલામનબી ભણવો જ જોઇએ” તેવી માતાની જીદ અને તેના માટે કરેલા ત્યાગના પરિણામે તેમના અભ્યાસમાં આવતી અડચણો દૂર થઈ શકી હતી. પ્રારંભમાં મોદજ-માંકવા ગામની પ્રાથમિક શાળાથી અભ્યાસ શરૂ કરનાર ગુલામનબીને તેમની માતાએ મહેમદાવાદની તાલુકા શાળામાં દાખલ કરાવ્યા અને પરિવારના આર્થિક તથા રહેઠાણના વ્યવહારોમાં પણ ક્રમશઃ બદલાવ લાવીને શિક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી હતી.

આપત્તિનું અવસરમાં રૂપાંતર અને આગવી દીર્ઘદ્રષ્ટિ
જીવનમાં આવતી મુશ્કેલીઓ કે આપત્તિઓને કઈ રીતે અવસરમાં બદલી શકાય તેની બારાખડી ડૉ. ગુલામનબીએ પોતાના પુરુષાર્થથી હસ્તગત કરી હતી. સોનાવાલા હાઈસ્કૂલથી શરૂ થયેલી તેમની આ સફર અસીમ ધ્યેય અને સતત આગળ વધવાની નેમ સાથે આગળ વધી હતી. તેમના જીવનસંઘર્ષના આ તમામ પ્રેરણાદાયી સંસ્મરણોને બીરેન કોઠારીએ પોતાની સંવેદનશીલ અને સચોટ કલમથી પુસ્તકમાં આલેખ્યા છે. આ પુસ્તક માત્ર એક વ્યક્તિની જીવનકથા નથી, પરંતુ મુશ્કેલ સંજોગોમાં હાર્યા વગર આગળ વધવા માગતા દરેક વાચક માટે જીવન જીવવાની મુસાફરીનો ઉત્તમ ઉદ્દીપક બની રહે છે.

આજે ડૉ. ગુલામનબી વહોરા સેવાકિય સંસ્થાના માધ્યમથી ગરીબો અને જરૂરિયાતમંદો માટે સેવાકીય કાર્યો કરીને સમાજને શિક્ષણ ક્ષેત્રે વધુ મજબૂત બનાવવાનું ઉત્તમ કાર્ય કરી રહ્યા છે. તેમનું આ જીવન કાર્ય સમાજના દરેક વર્ગ માટે પ્રેરણારૂપ બની રહ્યું છે.

