FSSAI Pan Masala Packaging Rules ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા [FSSAI] દ્વારા પાન મસાલાના પેકેજિંગ માટે અત્યંત મહત્વપૂર્ણ અને કડક નવા નિયમો રજૂ કરવામાં આવ્યા છે. આ નવા નિયમો સ્પષ્ટ કરે છે કે હવે ઉત્પાદકો પાન મસાલાના પેકિંગ માટે કયા પ્રકારની પ્લાસ્ટિક-મુક્ત સામગ્રીનો ઉપયોગ કરી શકશે. સોમવારે પ્રકાશિત કરવામાં આવેલા ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ (પેકેજિંગ) સુધારા નિયમો, ૨૦૨૬’ દ્વારા આ મોટા ફેરફારો અમલમાં મૂકવામાં આવ્યા છે, જેનાથી પેકેજિંગ ઉદ્યોગમાં મોટો બદલાવ આવશે.
FSSAI Pan Masala Packaging Rules નવી જોગવાઈઓ અને પ્લાસ્ટિક મુક્ત પેકેજિંગના નિયમો
આ સુધારાઓ દ્વારા ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ (પેકેજિંગ) નિયમો, ૨૦૧૮’ માં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. નવા FSSAI નિયમો અનુસાર, હવે પાન મસાલાના પેકેજિંગમાં પ્લાસ્ટિક, એલ્યુમિનિયમ ફોઈલ અને કોઈપણ પ્રકારના મેટલાઈઝ્ડ લેયરનો ઉપયોગ કરી શકાતો નથી. પોલીપ્રોપીલીન, પોલિએસ્ટર, પોલીવિનાઇલ ક્લોરાઇડ (PVC) કે અન્ય કૃત્રિમ પોલિમર અને લેમિનેટ પર સદંતર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પાન મસાલા હવે માત્ર કાગળ, પેપરબોર્ડ, સેલ્યુલોઝ કે અન્ય કુદરતી સ્ત્રોતોમાંથી બનેલી સંપૂર્ણપણે પ્લાસ્ટિક-મુક્ત સામગ્રીમાં જ પેક કરી શકાશે. આ ઉપરાંત ઉત્પાદકો કાચ કે ટીનનાં કન્ટેનરનો ઉપયોગ પણ વિકલ્પ તરીકે કરી શકશે.
જાહેર સૂચનો અને કાયદાકીય પ્રક્રિયા
સત્તાવાળાઓ દ્વારા ગત ૨૮ એપ્રિલના રોજ આ સુધારા નિયમોનો ડ્રાફ્ટ પ્રકાશિત કરીને સંબંધિત પક્ષો અને જનતા પાસેથી વાંધાઓ તથા સૂચનો માંગવામાં આવ્યા હતા. FSSAI ના જણાવ્યા મુજબ, મળેલા તમામ સૂચનો પર ગંભીરતાથી વિચાર-વિમર્શ કર્યા બાદ જ આ અંતિમ સૂચના જારી કરવામાં આવી છે. આ નિયમો પાન મસાલાને પ્રતિબંધિત ઉત્પાદન જાહેર કરતા નથી, પરંતુ તેના પેકેજિંગ શેડ્યૂલમાં ફેરફાર કરીને પર્યાવરણને અનુકૂળ અને પ્લાસ્ટિક-મુક્ત સામગ્રીનો ઉપયોગ કરવાનું ફરજિયાત બનાવે છે.
આ પણ વાંચો પાસપોર્ટ વેરિફિકેશન માટે હવે પોલીસ સ્ટેશનના ધક્કામાંથી મુક્તિ,ગુજરાતમાં વેરિફિકેશન પ્રક્રિયા બની સરળ

