Vadali Teachers Nursery Visit વડાલી પર્યાવરણ સંરક્ષણ અને વનીકરણના અભિયાનને વેગ આપવા માટે સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં એક વિશેષ શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ વન સંરક્ષક અને સામાજિક વનીકરણ વિભાગના માર્ગદર્શન હેઠળ, વિસ્તાર રેન્જ વડાલીની રામપુર નર્સરી ખાતે આ મુલાકાત યોજાઈ હતી. જેમાં કે.આર. શ્રોફ ફાઉન્ડેશનના કર્મચારીઓ અને સ્થાનિક પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓના શિક્ષકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
Vadali Teachers Nursery Visit રોપા ઉછેરની વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિશે મેળવી જાણકારી
મુલાકાત દરમિયાન વન વિભાગના નિષ્ણાત અધિકારીઓ દ્વારા શિક્ષકોને નર્સરીમાં તૈયાર કરવામાં આવતા વિવિધ પ્રકારના રોપાઓ, તેમની ઉછેર પદ્ધતિ અને માવજત વિશે ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી હતી. ખાસ કરીને ઉનાળાની આકરી ગરમી દરમિયાન છોડને જીવંત રાખવા માટેની આધુનિક સિંચાઈ પદ્ધતિઓ અને ટપક સિંચાઈના ફાયદાઓ વિશે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. નર્સરી મેનેજમેન્ટમાં ગુણવત્તાયુક્ત બીજની પસંદગી અને જીવાત તેમજ રોગોથી છોડને બચાવવાની રીતો પણ સમજાવવામાં આવી હતી
પર્યાવરણ જાગૃતિનો સંકલ્પ
આ શૈક્ષણિક પ્રવાસનો મુખ્ય હેતુ શૈક્ષણિક જગત સાથે જોડાયેલા લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. મુલાકાતના અંતે ઉપસ્થિત તમામ શિક્ષકો અને કર્મચારીઓએ પર્યાવરણની જાળવણી કરવા અને આગામી સમયમાં વધુમાં વધુ વૃક્ષારોપણ થાય તે માટે સક્રિય પ્રયાસો કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો હતો. શિક્ષકોએ જણાવ્યું હતું કે, અહીંથી મેળવેલું જ્ઞાન તેઓ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડશે જેથી આવનારી પેઢી પ્રકૃતિ પ્રેમી બને.


