Petrol Diesel Price Hike દેશમાં જેનો ડર હતો તે જ થયું છે, ચૂંટણી બાદ હવે ઈંધણના ભાવમાં ભડકો થયો છે. ઈન્ડિયન ઓઈલ (IOC) દ્વારા જાહેર કરવામાં આવેલા નવા દરો મુજબ, દિલ્હી સહિતના મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં પ્રતિ લિટર રૂપિયા 3 સુધીનો વધારો ઝીંકવામાં આવ્યો છે. વર્ષ 2022 પછી આ પ્રથમ વખત છે જ્યારે ઈંધણના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
Petrol Diesel Price Hike મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (15 મે, 2026 થી અમલી)
શુક્રવારથી અમલમાં આવેલા નવા ભાવ નીચે મુજબ છે:
દિલ્હી: પેટ્રોલ ₹94.77 થી વધીને ₹97.77 અને ડીઝલ ₹87.67 થી વધીને ₹90.67 થયું છે.
કોલકાતા: પેટ્રોલનો નવો ભાવ ₹108.74 અને ડીઝલ ₹95.13 પ્રતિ લિટર થયો છે.
ચેન્નાઈ: પેટ્રોલમાં વધારા સાથે ભાવ ₹103.67 અને ડીઝલ ₹95.25 એ પહોંચ્યું છે.
ભાવ વધારા પાછળનું કારણ શું છે?
પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ અગાઉ જ સંકેત આપ્યા હતા કે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ ભારે નુકસાન વેઠી રહી છે.
કાચા તેલના ભાવ: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત 64-65 ડોલરથી વધીને 115 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ છે.
રોજનું નુકસાન: કંપનીઓને દરરોજ અંદાજે ₹1,000 કરોડનું નુકસાન થઈ રહ્યું હતું.
અંડર રિકવરી: આ અંડર રિકવરી ₹1.98 લાખ કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે, જ્યારે ત્રિમાસિક ખોટ ₹1 લાખ કરોડની આસપાસ છે.
ભારત દુનિયાનો એકમાત્ર એવો દેશ હતો જેણે 2022 થી અત્યાર સુધી કિંમતો સ્થિર રાખી હતી, પરંતુ હવે સ્થિતિ અનિયંત્રિત થતા આ વધારો અનિવાર્ય બન્યો છે.
પીએમ મોદીની અપીલ
રવિવાર અને સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઈંધણનો વપરાશ ઘટાડવા અને સરકારી ખર્ચમાં કાપ મૂકવા અપીલ કરી હતી. આ અપીલ બાદ જ અટકળો તેજ થઈ હતી કે ટૂંક સમયમાં ભાવ વધારો આવશે. વૈશ્વિક સ્તરે કિંમતો વધવા છતાં ભારતમાં અત્યાર સુધી ભાવ શાંત હતા, પરંતુ હવે આંતરરાષ્ટ્રીય દબાણને કારણે ભાવમાં વધારો કરવાની જરૂર પડી છે.

