Ahmedabad Vadodara Expressway Accident અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આણંદ નજીક વહેલી સવારે લક્ઝરી બસ, ટ્રક અને ટેન્કર વચ્ચે ગમખ્વાર ત્રિપલ અકસ્માત સર્જાતા હાઈવે પર અફરાતફરી મચી ગઈ હતી. સુરતથી યાત્રાળુઓને લઈને અંબાજી તરફ જઈ રહેલી ખાનગી લક્ઝરી બસની પાછળ હેવી મશીનરી ભરેલી ટ્રક ધડાકાભેર અથડાતા, બસ આગળ ચાલી રહેલા ટેન્કરમાં ઘૂસી ગઈ હતી. આ ગંભીર અકસ્માતમાં બસમાં સવાર ૧૦ જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે.
ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર, સુરતથી અંબાજી માતાજીના દર્શનાર્થે યાત્રાળુઓને લઈને એક ખાનગી લક્ઝરી બસ નીકળી હતી. આ બસ વડોદરાથી અમદાવાદ તરફના રૂટ પર એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થઈ રહી હતી, ત્યારે આણંદ પાસે પાછળથી પૂરઝડપે આવી રહેલી હેવી મશીનરી ભરેલી ટ્રકના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. બેકાબૂ બનેલી ટ્રક લક્ઝરી બસના પાછળના ભાગે જોરદાર રીતે અથડાઈ હતી, જેના પગલે બસ આગળ જઈ રહેલા ટેન્કરની પાછળ ઘૂસી ગઈ હતી.
Ahmedabad Vadodara Expressway Accident: ૧૦ મુસાફરો ઈજાગ્રસ્ત, હોસ્પિટલમાં ખસેડાયા
વહેલી સવારે ઊંઘમાં રહેલા મુસાફરોમાં અચાનક થયેલા પ્રચંડ ધડાકાને કારણે ચીસાચીસ અને અફરાતફરી મચી ગઈ હતી. ત્રિપલ અકસ્માતમાં લક્ઝરી બસના આગળ અને પાછળના બંને ભાગોને ભારે નુકસાન પહોંચ્યું હતું. સદનસીબે આ ભયાનક દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી અને મોટી દુર્ઘટના ટળી હતી, પરંતુ બસમાં સવાર ૧૦ મુસાફરોને શરીરે ઈજાઓ પહોંચી હતી. બનાવની જાણ થતાં જ આણંદ ફાયર બ્રિગેડનો કાફલો, હાઈવે પેટ્રોલિંગ ટીમ અને સ્થાનિક પોલીસે સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. બસમાં ફસાયેલા મુસાફરોને સુરક્ષિત બહાર કાઢી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક કરમસદની મેડિકલ હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલી આપવામાં આવ્યા હતા.
આ ત્રિપલ અકસ્માતને કારણે એક્સપ્રેસ હાઈવે પર વડોદરાથી અમદાવાદ તરફ જતા માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે અને હાઈવે ઓથોરિટીની ટીમે ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત ત્રણેય વાહનોને રોડ પરથી હટાવીને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. હાલ સ્થાનિક પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
PM Modiનો કોંગ્રેસ પર પ્રહાર: ગુજરાત આર્થિક રૅન્કિંગમાં પ્રથમ આવ્યું તો રિપોર્ટ રોકવાનો દબાણ કરાયો હોવાનો આક્ષેપ

