Surat Nasir Nagar Demolition :સુરત મહાનગરપાલિકા (SMC) ના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાંથી એક ખુબ જ મોટા અને ચકચારી સમાચાર સામે આવી રહ્યા છે. કતારગામના નાસીર નગરમાં ગત દિવસોમાં થયેલા કથિત ગેરકાયદેસર અને વિવાદાસ્પદ ‘ભૂતિયા ડિમોલેશન’ મામલે સ્થાનિક સ્તરે ભારે હોબાળો મચ્યો હતો. ગરીબ પરિવારોના ૧૦૦ થી વધુ મકાનો તોડી પાડવાના આ ચકચારી પ્રકરણના આખરે દસ દિવસ વીતી ગયા બાદ સુરત મ્યુનિસિપલ કમિશનર સફાળા જાગ્યા છે. કમિશનરે આ આખા મામલાની ઝીણવટભરી અને તટસ્થ તપાસ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય વિશેષ તપાસ સમિતિની સત્તાવાર રચના કરી દીધી છે, જેનાથી પાલિકાના અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
Surat Nasir Nagar Demolition :ડેપ્યુટી કમિશનર એમ.એમ. ગજ્જરની અધ્યક્ષતામાં 6 સભ્યોની હાઈપાવર ટીમ
આ ખાસ હાઈપાવર તપાસ સમિતિ ડેપ્યુટી કમિશનર એમ.એમ. ગજ્જરની (M.M. Gajjar) અધ્યક્ષતામાં કામ કરશે. આ સમિતિની અંદર વહીવટી અને ટેકનિકલ પાંખના ઉચ્ચ નિષ્ણાતોને સામેલ કરવામાં આવ્યા છે. કમિટીમાં બે ડેપ્યુટી કમિશનર, એક એડિશનલ સીટી ઇજનેર, બે કાર્યપાલક ઇજનેર અને એક ડેપ્યુટી ઇજનેર સહિતના કુલ 6 ઉચ્ચ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ કમિટી ખાસ કરીને સેન્ટ્રલ ઝોનના જવાબદાર અધિકારીઓની આ સમગ્ર ઘટનામાં શું ભૂમિકા હતી, કોના ઈશારે અને કયા નિયમો હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી તેની ઊંડાણપૂર્વક તપાસ કરીને પોતાનો સત્તાવાર અહેવાલ કમિશનરને સોંપશે.
નોટિસ વગર જ સાદા કપડામાં આવેલા લોકોએ તોડી નાખ્યા હતા 100 મકાનો [Nasir Nagar Demolition Controversy]
ઉલ્લેખનીય છે કે, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલા નાસીર નગર સ્લમ એરિયામાં આશરે 40 થી 50 વર્ષ જૂના 100 થી વધુ નાના-મોટા મકાનો અને મિલકતોનું કોઈ પણ પ્રકારની પૂર્વ કાનૂની નોટિસ આપ્યા વિના અચાનક જેસીબી ફેરવી ડિમોલેશન કરી નાખવામાં આવ્યું હતું. સાદા કપડામાં આવેલા લોકોએ આ કાર્યવાહી કરી ગરીબોને રસ્તા પર લાવી દીધા હતા, જેને કારણે સ્થાનિક રહીશો દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરાયું હતું.
તાજેતરમાં જ આ ડિમોલેશનમાં ઉપયોગમાં લેવાયેલી મશીનરી, તેનું ભાડું અને કોન્ટ્રાક્ટર એજન્સી સંબંધિત એક શંકાસ્પદ ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ હતી, જેને કારણે રાજકારણ ગરમાયું હતું. પ્રાથમિક પુરાવાઓ અનુસાર, જે તે સમયે ઉચ્ચ અધિકારીઓની પ્રત્યક્ષ હાજરીમાં જ આ આખું ‘ભૂતિયા ડિમોલેશન’ કરાયું હોવાનું બહાર આવ્યું છે. હવે આ કમિટીના રિપોર્ટના આધારે જે પણ અધિકારીઓ દોષિત સાબિત થશે, તેમની સામે કડક શિક્ષાત્મક અને કાનૂની પગલાં લેવાય તેવી પૂરેપૂરી શક્યતાછે.

