અમદાવાદમાં તાલિબાની ઘટના: 4 યુવકોએ સગીરને નગ્ન કરી દોડાવ્યો!

ahmedabad crime news: અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતો એક અત્યંત ચોંકાવનારો અને શરમજનક કિસ્સો સામે આવ્યો છે. શહેરના જાહેર માર્ગ પર કેટલાક યુવકોએ ભેગા મળીને એક સગીર છોકરાને બેરહેમીથી માર માર્યો અને ત્યારબાદ તેને નગ્ન કરીને રસ્તા પર દોડાવ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, બે મહિના અગાઉ થયેલી એક મારપીટ અને અપમાનનો બદલો લેવા માટે આ તાલિબાની કૃત્ય કરવામાં આવ્યું હતું. આ ગંભીર મામલે વાડજ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા ગુનો નોંધીને પાંચ પૈકીના બે આરોપીઓની ગણતરીના કલાકોમાં જ અટકાયત કરી લીધી છે, જ્યારે ફરાર અન્ય આરોપીઓની સઘન શોધખોળ હાથ ધરી છે.

ahmedabad crime news :શું હતો સમગ્ર વિવાદ? 

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ સમગ્ર વિવાદના મૂળ બે મહિના જૂની એક ઘટનામાં રહેલા છે. દુધેશ્વર વિસ્તારમાં બે મહિના અગાઉ રોહિત (નામ બદલ્યું છે) નામના એક યુવકને હાલના ભોગ બનનાર સગીર અને તેના અન્ય સાગરીતોએ જાહેરમાં પકડી લીધો હતો. તે સમયે સગીરની ટોળકીએ રોહિતના શર્ટ અને પેન્ટ કઢાવી નાખ્યા હતા, તેને નીચે બેસાડીને બળજબરીથી માફી મંગાવવામાં આવી હતી.

એટલું જ નહીં, રોહિતને દંડા અને બેલ્ટથી ઢોર માર મારીને તેનો વીડિયો પણ ઉતારવામાં આવ્યો હતો. તે સમયે ડર અને શર્મના કારણે રોહિતે પોલીસ ફરિયાદ નોંધાવી નહોતી, પરંતુ તે આ ભયંકર અપમાનનો બદલો લેવા માટે યોગ્ય તકની રાહ જોઈ રહ્યો હતો.

ઇન્કમટેક્સ ચાર રસ્તા પાસે સગીરને નગ્ન કરી દોડાવ્યો

ગઈકાલે (8 જૂન) રોહિત અને તેના ચાર મિત્રોને બદલો લેવાની તક મળી ગઈ. તેમણે પોતાને માર મારનારાઓ પૈકીના એક એવા આ સગીરને ઇન્કમટેક્સ ચાર રસ્તા પાસે આવેલા એક પાન પાર્લર નજીક એકલો ઊભેલો જોયો. જૂની અદાવતના ગુસ્સામાં આગબબૂલા થયેલા રોહિત અને તેના 4 મિત્રોએ સગીર પર અચાનક હુમલો કરી દીધો.

આ પાંચેય જણાએ ભેગા મળીને સગીરને બેરહેમીથી ફટકાર્યો, તેના તમામ કપડાં કાઢી નાખ્યા અને તેને નગ્ન હાલતમાં જ જાહેર રસ્તા પર દોડાવ્યો હતો. ભયભીત થયેલો સગીર જીવ બચાવવા દોડ્યો, તો આ ટોળકીએ તેની પાછળ પડીને તેને માર મારવાનું ચાલુ રાખ્યું હતું. રસ્તા પર આસપાસના લોકો એકઠા થઈ જતાં આરોપીઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. આ મામલે સગીરના પિતાએ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *