ગુજરાતના 3 શહેરોની મનપાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

Gujarat Bomb Threat Email :

Gujarat Bomb Threat Email : ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી અલગ-અલગ સંસ્થાઓ અને શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે, ત્યારે આજે રાજ્યના ત્રણ મોટા શહેરોમાંથી એક ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહેવાલ અનુસાર, જામનગર, સુરત અને વડોદરા શહેરની મહાનગરપાલિકા (Municipal Corporation) ની મુખ્ય કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. આ સામૂહિક ધમકીને પગલે ત્રણેય શહેરોની સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક એલર્ટ થઈ ગઈ છે અને કચેરીઓમાં સઘન સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.

Gujarat Bomb Threat Email : વડોદરામાં મેયર અને કમિશનર કચેરીને નિશાન બનાવવાની ચીમકી 

અહેવાલ અનુસાર, વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરીમાં સવારે ૯:૦૬ વાગ્યે એક ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ મેઈલ સીધો મેયર કચેરી અને મહાપાલિકા કમિશનરને સંબોધીને મોકલવામાં આવ્યો છે, જેમાં મેયર ઓફિસ, કમિશનર કચેરી અને સ્થાનિક શાળાઓને નિશાન બનાવવાની ચીમકી અપાઈ છે. આ ઈમેઈલમાં આગામી ૧૮ જૂનથી ૩૦ સપ્ટેમ્બર વચ્ચે હુમલો કરવાનો ઉલ્લેખ છે અને આ ધમકી ખાલિસ્તાનના નામે મોકલવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

જામનગર અને સુરત મનપા કચેરીઓ ખાલી કરાવાઈ, બોમ્બ સ્ક્વોડ તૈનાત 

બીજી તરફ, જામનગર અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની બિલ્ડિંગને પણ આ જ પ્રકારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ વહીવટી તંત્રમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. ધમકીની ગંભીરતાને જોતા જામનગર મનપાની મુખ્ય કચેરીને તાત્કાલિક ધોરણે ખાલી કરાવી દેવામાં આવી હતી અને વિવિધ કામકાજ અર્થે આવેલા લોકોને સુરક્ષિત બહાર કઢાયા હતા. સુરત મનપામાં પણ આવી જ રીતે પોલીસ કાફલો, લોકલ ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) ની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

હાલમાં ત્રણેય શહેરોની મહાનગરપાલિકાના તમામ વિભાગો, ઓફિસો, પાર્કિંગ અને આસપાસના વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જો કે, પ્રાથમિક તપાસમાં હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી અને આ ધમકી પણ અગાઉની જેમ પોકળ અથવા હોક્સ (Hoax) હોવાની પૂરેપૂરી સંભાવના છે, છતાં પણ પોલીસ તંત્ર કોઈ કચાસ રાખવા માંગતું નથી. સાયબર ક્રાઈમની ટીમ દ્વારા આ ઈમેલ આઈડીના આઈપી (IP Address) અને સોર્સને ટ્રેસ કરવા માટે ટેકનિકલ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો: વડોદરા-જરોદ રોડ પર ગોઝારો અકસ્માત: ટ્રક પાછળ લક્ઝરી બસ ઘૂસી જતાં 6થી વધુના મોત, 31 મુસાફરો ઈજાગ્રસ્ત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *