Cyclone Arnab Impact દક્ષિણ ભારતમાં ત્રાટકેલા અર્નબ વાવાઝોડાની અસરના ભાગરૂપે ગુજરાતના હવામાનમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠું વરસ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ ગુજરાતના વાતાવરણમાં પલટાની આગાહી કરવામાં આવી છે, ત્યારે આજે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પંથકોમાં અચાનક વરસાદ ખાબક્યો હતો.
ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા પંથકમાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ બપોરના સમયે અચાનક વાતાવરણ પલટાયું હતું. એકાએક આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને જોતજોતામાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. જેના પરિણામે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં બફારાથી ત્રસ્ત નાગરિકોને રાહત મળી હતી, પરંતુ બીજી તરફ ખેતરોમાં ઊભા પાકને લઈને ચિંતા વધી ગઈ છે.
Cyclone Arnab Impact: ખેડૂતોમાં ચિંતા અને ઉત્તર ગુજરાતમાં પણ માવઠું
હાલમાં રાજ્યમાં ખરીફ પાક તૈયાર થઈ ગયો છે અને મોટાભાગના વિસ્તારોમાં ખેડૂતોએ લણણી શરૂ કરી દીધી છે. આવી સ્થિતિમાં એકાએક તૂટી પડેલા કમોસમી વરસાદના કારણે ખેતરોમાં રહેલા પાકને નુકસાન થવાની પૂરી ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે જગતનો તાત ચિંતિત બન્યો છે.
અગાઉ અમદાવાદમાં પણ દિવસભર અસહ્ય ઉકળાટને અંતે સમી સાંજે કેટલાક ભાગોમાં જોરદાર ઝાપટું પડ્યું હતું. જ્યારે ઉત્તર ગુજરાતના મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાના કેટલાક ભાગોમાં પણ વરસાદ નોંધાયો હતો. આજના ક્રમમાં સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકા ઉપરાંત બનાસકાંઠાના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

