અમદાવાદ એસજી હાઈવે પર આવેલો રૂ. 65 કરોડનો પ્લોટ વિવાદમાં:પ્લોટની ફાળવણી દરખાસ્ત પરત ખેંચાઈ

Narhari Amin Hiramani School Plot અમદાવાદના એસજી હાઈવે પર આવેલી પૂર્વ સાંસદ નરહરિ અમીનની હીરામણી સ્કૂલ કેમ્પસમાં સ્થિત સરકારી પ્લોટને શૈક્ષણિક હેતુ માટે ફાળવવાની દરખાસ્તને AMC ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીના ચેરમેન દ્વારા પરત ખેંચી લેવામાં આવી છે. આશરે ₹૬૫ કરોડના આ પ્રાઈમ પ્લોટને મૂલ્યાંકન કમિટી સમક્ષ રજૂ કરવામાં આવશે, જ્યાં તેની ચોક્કસ વેલ્યુ નક્કી કર્યા બાદ મનપા દ્વારા જાહેર હરાજી મારફતે પ્લોટની આખરી ફાળવણી કરવામાં આવશે.

ભાજપના પૂર્વ સાંસદ નરહરિ અમીન સંચાલિત જન સહાયક ટ્રસ્ટ-હીરામણી સ્કૂલ દ્વારા અમદાવાદ મહાનગરપાલિકાના પાર્કિંગ હેતુ માટેના પ્લોટનો હેતુફેર કરીને તેને શૈક્ષણિક હેતુ માટે ફાળવી આપવા અંગે રજૂઆત કરવામાં આવી હતી. આ પ્લોટ હીરામણી સ્કૂલના કેમ્પસ વિસ્તારમાં જ છે અને વર્ષોથી તેનો ઉપયોગ પાર્કિંગ તરીકે થઈ રહ્યો છે.

Narhari Amin Hiramani School Plot : પ્લોટની વિગતો અને વિવાદનું મુખ્ય કારણ

એસજી હાઈવે પર છારોડી-ઓગણજ વિસ્તારમાં અમદાવાદ મહાનગરપાલિકાને કપાતમાં ૨૬૦૮ ચોરસ મીટરનો સામાજિક માળખાકીય સુવિધા માટેનો પાર્કિંગ હેતુનો પ્લોટ મળ્યો હતો. આ ૨૬૦૮ ચોરસ મીટરનો પ્લોટ પૂર્વ સાંસદ નરહરિ અમીન દ્વારા વાર્ષિક ₹૨.૪૪ લાખ ભરીને ભાડે લેવામાં આવ્યો છે અને હાલ આ વાર્ષિક ભાડા કરાર યથાવત રહેશે.

જો આ પ્લોટનો હેતુફેર કરીને શૈક્ષણિક હેતુ માટે ફાળવણી કરવામાં આવે, તો નિયમ મુજબ ટ્રસ્ટે AMCને મૂળ કિંમતના માત્ર ૫૦ ટકા રકમ જ ચૂકવવી પડે. ભાજપના જ કોર્પોરેટરો દ્વારા મુકાયેલી આ દરખાસ્ત જો મંજૂર થઈ હોત તો કોર્પોરેશનને ૫૦ ટકા જેટલી રકમનું મોટું આર્થિક નુકસાન વેઠવું પડે તેમ હતું, જેના કારણે વિવાદ વકર્યો હતો.

 ચેરમેનની સ્પષ્ટતા અને આગામી આયોજન

આ સમગ્ર મામલે વિવાદ વધતા ટાઉન એન્ડ પ્લાનિંગ (TP) કમિટીમાં દરખાસ્ત પરત લેવાઈ છે. TP કમિટીના ચેરમેન ભાગ્યેશ પટેલે જણાવ્યું કે, જન સહાયક ટ્રસ્ટ હીરામણી સ્કૂલ દ્વારા ૨૬૦૮ ચોરસ મીટરના પ્લોટને હેતુફેર કરી શૈક્ષણિક હેતુ માટે જાહેર હરાજીથી નિકાલ કરવા અંગે જે દરખાસ્ત મૂકવામાં આવી હતી તેને હાલ પૂરતી પરત ખેંચી લેવામાં આવી છે. આગામી સમયમાં મૂલ્યાંકન બાદ તેની જાહેર હરાજી કરાશે.

દેશમાં રાષ્ટ્રીય જનગણનાની તારીખ જાહેર: 25 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી 2027 દરમિયાન હાથ ધરાશે વસ્તી ગણતરી