Surat Nasirnagar Demolition Case ગત મે મહિનામાં સુરતના નાસિરનગર વિસ્તારમાં કોઈપણ પ્રકારની પૂર્વ નોટિસ કે કાયદાકીય પ્રક્રિયા વિના અંદાજે ૧૫૦ જેટલા મકાનો પર બુલડોઝર ફેરવીને તેમને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા હતા. આટલા મોટા ડિમોલિશન બાદ કોઈ સત્તાધીશ તેની જવાબદારી લેવા તૈયાર ન હોવાથી સ્થાનિક રહીશોએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. આ મામલે સુનાવણી કરતા હાઇકોર્ટે રાજ્ય સરકાર, સુરત મહાનગરપાલિકા (SMC) અને ટોરેન્ટ પાવરને અત્યંત આકરા સવાલો કર્યા છે. જસ્ટિસ નિખિલ કરિયલે સ્પષ્ટ કર્યું કે કાયદાકીય પ્રક્રિયાના પાલન વિના એક સિંગલ મકાનનું ડિમોલિશન પણ સાંખી શકાય નહીં.
Surat Nasirnagar Demolition Case વિસ્થાપિતો માટે તાત્કાલિક રહેઠાણની વ્યવસ્થાનો આદેશ
હાઇકોર્ટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને કડક આદેશ આપ્યો છે કે, જે પરિવારોના ઘર તોડી પડાયા છે તેમના પુનઃવસન માટે આગામી સોમવાર સુધીમાં ચોક્કસ પ્લાન રજૂ કરવામાં આવે. કોર્ટે લાલ આંખ કરતા કહ્યું હતું કે, “અમારી પાસે રહેવાની વ્યવસ્થા નથી તેવી કોઈ દલીલ હું સાંભળીશ નહીં, જરૂર પડે તો લોકો માટે ટેન્ટ ભાડે રાખો. જેનો વાંક હશે તેની સામે કડક પગલાં ભરાશે.”
પોલીસની કામગીરી અને હાજરી પર ગંભીર સવાલો
સુનાવણી દરમિયાન કોર્ટે પોલીસની શંકાસ્પદ ભૂમિકા સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે પૂછ્યું કે, જો આ સત્તાવાર ડિમોલિશન નહોતું તો ત્યાં ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP) કક્ષાના અધિકારી કેમ હાજર હતા? સરકારી વકીલ મારફતે કોર્ટે સુરત પોલીસ કમિશનર પાસે સોમવાર સુધીમાં સોગંદનામું માંગ્યું છે કે આ સત્તાવાર ડિમોલિશન હતું કે કેમ, અને આટલી મોટી ઘટના છતાં હજુ કોઈ પોલીસ ફરિયાદ કેમ નોંધાઈ નથી. જો DCP હાજર હોવાના આક્ષેપ સાચા ઠરશે, તો તે અધિકારીએ કોર્ટમાં વ્યક્તિગત હાજર રહેવું પડશે.
ટોરેન્ટ પાવરને નોટિસ અને ઓપરેશનના સૂત્રધારની શોધ
આ વિવાદમાં વીજ પુરવઠો કાપવા બદલ ટોરેન્ટ પાવરને પણ પક્ષકાર બનાવાઈ છે. આગામી સુનાવણી (૨૯ જૂન) ના રોજ ટોરેન્ટ પાવરના વકીલને હાજર રહેવા આદેશ કરાયો છે. ટોરેન્ટ પાવરના ખુલાસા પરથી સ્પષ્ટ થશે કે વીજળી કાપવાની સત્તાવાર સૂચના કોર્પોરેશન તરફથી મળી હતી કે કોઈ ખાનગી વ્યક્તિઓ દ્વારા, જેથી ડિમોલિશનના સાચા સૂત્રધાર સુધી પહોંચી શકાશે.
કાયદાના શાસન અને બંધારણીય અધિકારો પર ભાર
અંતમાં હાઇકોર્ટે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ટાંકીને કાયદાના શાસનના પાલન પર ભાર મૂક્યો હતો. કોર્ટે બે શક્યતાઓ દર્શાવી: કાં તો પાલિકાએ કાયદાનું ઉલ્લંઘન કર્યું છે અથવા અધિકારીઓએ સત્તાનો દુરુપયોગ કર્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે સુરત કોર્પોરેશન જવાબદારીમાંથી છટકી શકે નહીં, અને અરજદારોની નબળી રજૂઆત કોર્ટને નાગરિકોના બંધારણીય અધિકારોની રક્ષા કરતા અટકાવી શકશે નહીં.
આ પણ વાંચો : ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થશે! અંબાલાલ પટેલે વરસાદને લઇને કરી મોટી આગાહી!

