ગુજરાત વિધાનસભામાં ‘ગુજરાત ભાડા વિધેયક-2026’ સર્વાનુમતે પસાર: મકાન માલિકો અને ભાડૂઆતો માટે નવા નિયમો લાગુ

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પારદર્શિતા વધારવા અને મકાન માલિકો તેમજ ભાડૂઆતો વચ્ચેના સંબંધોમાં શિસ્ત તથા સંતુલન લાવવાના ઉદ્દેશ્યથી ‘ગુજરાત ભાડા વિધેયક-2026’ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યું હતું. શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈએ ગૃહમાં આ ક્રાંતિકારી વિધેયક રજૂ કરતા તેની મહત્વની જોગવાઈઓ અને હેતુઓની વિગતવાર માહિતી આપી હતી. અત્યાર સુધી રાજ્યમાં મિલકત ભાડે આપવાની વ્યવસ્થા ‘મુંબઈ ભાડા અને નિવાસ ગૃહદર નિયંત્રણ અધિનિયમ, 1947’ હેઠળ સંચાલિત થતી હતી, જેની મુદત વખતોવખત લંબાવવી પડતી હતી. જૂના કાયદાની મર્યાદાઓને કારણે મકાન માલિકો અને ભાડૂઆતોને અનેક કાનૂની ગૂંચવણોનો સામનો કરવો પડતો હતો, જેને ધ્યાનમાં રાખીને આ નવો કાયદો લાવવામાં આવ્યો છે.

ગુજરાત ભાડા વિધેયક-2026ની મુખ્ય જોગવાઈઓ

  • લેખિત ભાડા કરાર ફરજિયાત: હવેથી કોઈ પણ મિલકત (રહેણાંક કે વાણિજ્યિક) લેખિત ભાડા કરાર વિના ભાડે આપી શકાશે નહીં અને આ કરારની માહિતી સંયુક્ત રીતે ‘રેન્ટ ઓથોરિટી’ને આપવાની રહેશે.

  • ડિજિટલ પ્લેટફોર્મ અને યુનિક આઈડી: ડિજિટલ શાસન અને ટેકનોલોજીના શ્રેષ્ઠ ઉપયોગથી ભાડા સત્તાધિકારી 3 મહિનામાં માતૃભાષા ગુજરાતીમાં ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કરશે. દરેક કરારને એક વિશેષ આઈડેન્ટિફિકેશન નંબર (ID) ફાળવી વેબસાઈટ પર અપલોડ કરાશે, જે બંને પક્ષો માટે નિર્ણાયક પુરાવો બનશે.

  • સિક્યોરિટી ડિપોઝિટની મર્યાદા: ભાડૂઆતોના હિતમાં એડવાન્સ સિક્યોરિટી ડિપોઝિટની રકમ વધુમાં વધુ 3 મહિનાના ભાડા જેટલી જ રાખી શકાશે, અને મિલકત ખાલી કરતી વખતે તમામ હિસાબ ચુકતે કરીને 1 મહિનામાં આ ડિપોઝિટ પરત કરવાની રહેશે.

  • ત્રિ-સ્તરીય ન્યાયિક વ્યવસ્થા: કોઈપણ વિવાદના સમયબદ્ધ અને ઝડપી નિવારણ માટે રાજ્યમાં રેન્ટ ઓથોરિટી (Rent Authority), રેન્ટ કોર્ટ (Rent Court) અને રેન્ટ ટ્રિબ્યુનલ (Rent Tribunal) એમ ત્રણ સ્તરની ન્યાયિક વ્યવસ્થા અસ્તિત્વમાં લાવવામાં આવશે.

  • જીવનજરૂરી સેવાઓ રોકી શકાશે નહીં: કોઈપણ મકાન માલિક ભાડૂઆતની વીજળી, પાણી કે ગેસ કનેક્શન જેવી આવશ્યક સેવાઓ રોકી શકશે નહીં; જો આવું થશે, તો રેન્ટ ઓથોરિટી તુરંત સેવાઓ પુનઃજીવિત કરવાનો આદેશ કરશે.

  • મિલકત ખાલી કરાવવાના સ્પષ્ટ આધારો (કલમ 21): જો ભાડૂઆત સતત ભાડું ન ચૂકવે, મિલકતને નુકસાન પહોંચાડે કે માલિકની મંજૂરી વગર પેટા-ભાડે આપે, તો માલિક ભાડા અદાલત મારફતે મિલકત ખાલી કરાવી શકશે.

  • કુદરતી આપત્તિમાં રાહત: પૂર, ભૂકંપ કે ચક્રવાત જેવી કુદરતી આપત્તિના સમયે જો મિલકત રહેવા યોગ્ય ન રહે, તો ભાડુઆતને ભાડામાંથી મુક્તિ મળશે અથવા કરાર લંબાવવાની વાજબી તક મળશે.

  • પ્રોપર્ટી મેનેજરને કાનૂની માન્યતા (કલમ 18): મકાન માલિક પોતાની સુવિધા માટે પ્રોપર્ટી મેનેજરની નિમણૂક કરી શકશે અને તેની ફરજો નિર્ધારિત કરવામાં આવી છે.

  • ચોક્કસ સંસ્થાઓને મુક્તિ (કલમ 3): સરકારી પરિસરો, કંપનીઓ દ્વારા કર્મચારીઓને અપાતા સર્વિસ ક્વાર્ટર, ધાર્મિક-સખાવતી સંસ્થાઓ, વક્ફ બોર્ડ અને પબ્લિક ટ્રસ્ટની માલિકીની મિલકતોને આ કાયદામાંથી મુક્તિ અપાઈ છે (જોકે પરસ્પર સંમતિથી જોડાઈ શકાય છે).

મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આ કાયદો મકાન માલિકને યોગ્ય ન્યાય અને ભાડૂઆતને આદરપૂર્વક જીવવાની છત આપે છે. આ વિધેયકથી રિયલ એસ્ટેટ માર્કેટમાં પારદર્શિતા આવશે અને ‘ઈઝ ઓફ લિવિંગ’ વધશે. આજે આ વિધેયક ગુજરાત વિધાનસભા ગૃહમાં વિના વિરોધે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *