ભરૂચ જામા મસ્જિદ વિવાદ કેસ પહોંચ્યો ગુજરાત હાઈકોર્ટમાં,જૈન-હિન્દુ સમાજે પૂજાના અધિકાર અને રક્ષણની કરી માંગ

Bharuch Jama Masjid Controversy

Bharuch Jama Masjid Controversy ભરૂચની 14મી સદીની ઐતિહાસિક જામા મસ્જિદ અંગે ગુજરાત હાઈકોર્ટમાં એક મોટો વિવાદ પહોંચ્યો છે. પાંચ અરજદારોએ કોર્ટમાં દાવો કર્યો છે કે, ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા જે ઇમારતને મસ્જિદ તરીકે નોંધવામાં આવી છે, તે વાસ્તવમાં પ્રાચીન જૈન મંદિર ‘અશ્વબોધ તીર્થ’ અને ‘શકુનિકા વિહાર’ છે. અરજદારોએ આ સ્થળને જૈન-હિન્દુ મંદિર જાહેર કરી, ત્યાં પૂજા કરવાની મંજૂરી અને ઇમારતના રક્ષણની માંગ સાથે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. આ મામલે હાઈકોર્ટે ASI પાસેથી સત્તાવાર સૂચનાઓ અને પુરાવાઓનો રિપોર્ટ માંગ્યો છે. કેસની આગામી સુનાવણી 13 ઓક્ટોબરે હાથ ધરાશે.

Bharuch Jama Masjid Controversy મલ્લિનાથ ભગવાનની મૂર્તિ મળ્યાનો દાવો અને નુકસાનની આશંકા

અરજદારોની સૌથી ચોંકાવનારી રજૂઆત એ છે કે, જૂન 2026માં આ ઇમારતના ભોંયરામાંથી જૈન ધર્મના 19મા તીર્થંકર ભગવાન મલ્લિનાથની મૂર્તિ મળી આવી હતી, જે અંગેનો વીડિયો પણ કોર્ટમાં રજૂ કરાયો છે. અરજદારોના વકીલ પ્રતિક ભાટિયાએ રજૂઆત કરી હતી કે, શુક્રવારની નમાજ માટે આવતા લોકોની ભીડને કારણે મૂર્તિ અને સ્તંભોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જેથી મૂર્તિનું તાત્કાલિક સંરક્ષણ થવું જરૂરી છે. તેમણે દાવો કર્યો હતો કે 1909 ના ગેઝેટમાં આ સ્થળની મસ્જિદ તરીકેની નોંધ જ ખોટી છે.

Bharuch Jama Masjid Controversy અશ્વબોધ તીર્થ અને શકુનિકા વિહારનો ઐતિહાસિક સંદર્ભ

અરજદારોએ ભરૂચ (પ્રાચીન નામ ભૃગુકચ્છ) ના જૈન સાહિત્ય અને ઐતિહાસિક ગ્રંથોનો હવાલો આપતા જણાવ્યું હતું કે, આ ‘શકુનિકા વિહાર’નું નિર્માણ રાજકુમારી સુદર્શના કુમારીએ રાજા વિજયબાહુના શાસનકાળમાં કરાવ્યું હતું. આ ઉપરાંત, જૈન આચાર્ય જૈનપ્રભસૂરિના ગ્રંથમાં પણ આ મંદિરના નવીનીકરણનો ઉલ્લેખ હોવાનો દાવો મૂળ ગ્રંથોના આધારે કરવામાં આવ્યો છે. અરજદારોએ મધ્યપ્રદેશના ભોજશાળા કેસનો પણ આધાર ટાંક્યો હતો.

હાઈકોર્ટમાં અરજદારોની મુખ્ય માંગણીઓ

અરજદારોએ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ મુખ્યત્વે નીચે મુજબની માંગણીઓ રજૂ કરી છે: ૧. ASI દ્વારા આ સ્થળની જૈન મંદિર તરીકે ઓળખ અંગે યોગ્ય તપાસ થાય. ૨. જામા મસ્જિદ તરીકેની નોંધ રદ કરી તેને ‘અશ્વબોધ તીર્થ’ અને ‘શકુનિકા વિહાર’ જાહેર કરવામાં આવે. ૩. મુસ્લિમ પક્ષને નમાજ પઢતા રોકવામાં આવે. ૪. જૈન અને હિન્દુ ધર્મના અનુયાયીઓને પૂજા કરવાની કાયદેસર મંજૂરી આપવામાં આવે, કારણ કે તે તેમનો મૂળભૂત અધિકાર છે.

ASI અને રાજ્ય સરકારનું સ્ટેન્ડ

સુનાવણી દરમિયાન, ASI ના વકીલે સ્વીકાર્યું હતું કે સ્થળ પરથી મૂર્તિ મળી હોવાની હકીકત તેમના ધ્યાનમાં છે, પરંતુ કાયદેસરની તપાસ વિના કોઈ નિર્ણય લઈ શકાય નહીં. ASI એ સ્પષ્ટ કર્યું કે તેમની જવાબદારી ઐતિહાસિક સ્મારકના રક્ષણની છે, પૂજાની મંજૂરી રાજ્ય સરકારનો વિષય છે.

બીજી તરફ, રાજ્ય સરકાર અને ભરૂચના કલેક્ટર તરફથી સરકારી વકીલે જણાવ્યું હતું કે, સ્મારક અને મૂર્તિનું રક્ષણ મહત્ત્વપૂર્ણ છે. કેટલાક સ્તંભોને નુકસાન પહોંચાડવાના પ્રયાસનો અહેવાલ મળ્યો છે, જેને ગંભીરતાથી લઈ પગલાં લેવાની જરૂર છે, કારણ કે આ મુદ્દો લોકોની ધાર્મિક લાગણીઓ સાથે જોડાયેલો છે. હાઈકોર્ટે આગામી 13 ઓક્ટોબરની સુનાવણીમાં ASI ના સક્ષમ અધિકારીને તમામ રિપોર્ટ અને જાણકારી સાથે હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે.

Delhi Train Cancelled: દિલ્હીમાં 10 ઓક્ટોબરના વિરોધ પ્રદર્શનની અસર, ગુજરાતથી જતી અનેક ટ્રેનો રદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *