Dhruv Rathee Detained સીજેપી (CJP) દ્વારા શનિવારે જંતર-મંતર ખાતે યોજાનારા વિશાળ વિરોધ પ્રદર્શન પહેલા રાજધાનીમાં ગરમાવો આવી ગયો છે. વિરોધ પ્રદર્શનના એક દિવસ પહેલા જ પ્રખ્યાત યુટ્યુબર ધ્રુવ રાઠીની તેમના ગુરુગ્રામ સ્થિત નિવાસસ્થાનેથી વહેલી સવારે અટકાયત કરવામાં આવી છે. વિરોધ પ્રદર્શન પહેલાં કરાયેલી આ કાર્યવાહીથી ભારે ચકચાર મચી ગઈ છે.
Dhruv Rathee Detained ઘરમાં ઘૂસીને અટકાયત: 50 પોલીસકર્મીઓનો કાફલો પહોંચ્યો
અહેવાલો અનુસાર, દિલ્હી પોલીસની એક ટીમ વહેલી સવારે ગુરુગ્રામના સેક્ટર 56 માં આવેલા કેન્દ્રીય વિહાર સ્થિત ધ્રુવ રાઠીના ઘરે પહોંચી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ પોલીસ ટીમમાં આશરે 50 જેટલા સભ્યો સામેલ હતા. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પોલીસે બળજબરીથી તેમના ઘરમાં પ્રવેશીને ધ્રુવ રાઠીની અટકાયત કરી હતી. ઘટના બની તે સમયે ધ્રુવ રાઠીની માતા પણ ઘરમાં હાજર હતા. જોકે, આ અટકાયત મામલે દિલ્હી કે ગુરુગ્રામ પોલીસ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી કે નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.
8 ઓક્ટોબરે ભારત આવ્યા, બેંગલુરુમાં પણ નોંધાવ્યો હતો વિરોધ
ધ્રુવ રાઠી મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી પંચની કામગીરી વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોમાં સક્રિય ભાગ લેવા માટે 8 ઓક્ટોબરના રોજ જ ભારત પરત ફર્યા હતા. ભારતમાં આવ્યા બાદ તેમણે સૌપ્રથમ બેંગલુરુમાં યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં હાજરી આપી હતી.
ત્યારબાદ તેઓ 9 ઓક્ટોબરની રાત્રે દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હી પહોંચીને તેમણે ઇન્ડિયા ગેટની મુલાકાત લીધી હતી અને ત્યાંથી એક વીડિયો પણ શેર કર્યો હતો. આ મુલાકાત બાદ તેઓ ગુરુગ્રામ સ્થિત તેમના ઘરે ગયા હતા અને શનિવારે જંતર-મંતર ખાતે આયોજિત સીજેપીના વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવાના હતા. પરંતુ કાર્યક્રમમાં પહોંચે તે પહેલાં જ તેમની અટકાયત કરી લેવામાં આવી છે.

