GSEB New Vocational Subjects: ગુજરાતના વિદ્યાર્થીઓને શાળાકીય શિક્ષણની સાથે-સાથે વ્યવહારુ કૌશલ્ય અને રોજગારલક્ષી તાલીમ મળે તે હેતુથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી શૈક્ષણિક વર્ષ 2026-27થી ધોરણ 9માં ચાર નવા વોકેશનલ વિષયો તબક્કાવાર અમલમાં મૂકવાની જાહેરાત કરવામાં આવી છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને પાયાની તકનીકી સમજ આપવાની સાથે સ્વરોજગાર માટે સક્ષમ બનાવવાનો છે.
પ્રથમ તબક્કામાં રાજ્યની આશરે 2,813 સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ શાળાઓ તેમજ લગભગ 2,000 સ્વનિર્ભર શાળાઓના બે લાખથી વધુ વિદ્યાર્થીઓ સુધી આ કૌશલ્ય આધારિત શિક્ષણ પહોંચાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ નવા વિષયોની પરીક્ષા પદ્ધતિમાં 30 ગુણની થિયરી અને 50 ગુણની પ્રેક્ટિકલ પરીક્ષાનો સમાવેશ થાય છે, જેથી વિદ્યાર્થીઓ માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં પરંતુ વ્યવહારુ જ્ઞાન પણ મેળવી શકે. અગાઉથી એગ્રીકલ્ચર, આઈટી, હેલ્થકેર અને બેંકિંગ જેવા વિષયો ચાલી રહ્યા છે, જેમાં હવે વધુ ચાર નવા વિષયોનો ઉમેરો થયો છે.
GSEB New Vocational Subjects: વિદ્યાર્થીઓને ટેકનિકલ અને સર્જનાત્મક ક્ષેત્રોમાં મળશે નવા વિકલ્પો
બોર્ડ દ્વારા સામેલ કરવામાં આવેલા ચાર નવા વોકેશનલ વિષયોમાં વિદ્યાર્થીઓને વિવિધ ક્ષેત્રોની પાયાની તાલીમ મળશે:
-
મીડિયા એન્ડ એન્ટરટેઇનમેન્ટ: આ વિષયમાં ડિજિટલ કન્ટેન્ટ ક્રિએશન અને મનોરંજન ક્ષેત્રની પ્રક્રિયા વિશે માર્ગદર્શન આપવામાં આવશે.
-
ટેલિકોમ: મોબાઇલ નેટવર્ક, સંચાર ટેક્નોલોજી અને ફાઇબર-ઓપ્ટિક્સ જેવી તકનીકી બાબતોનું જ્ઞાન અપાશે.
-
હેન્ડીક્રાફ્ટ અને કાર્પેન્ટરીંગ: હસ્તકલા અને લાકડાકામ આધારિત કૌશલ્યો વિકસાવીને સ્વરોજગારની તકો ઊભી કરાશે.
-
લોજિસ્ટિક મેનેજમેન્ટ: સપ્લાય ચેઇન, માલસામાનનું પરિવહન અને વેરહાઉસ મેનેજમેન્ટની પાયાની સમજ પૂરી પાડાશે.
આ વ્યવસાયિક અભ્યાસક્રમોથી વિદ્યાર્થીઓને ભવિષ્યના અભ્યાસ અને રોજગારી મેળવવામાં મોટો ફાયદો થશે.

