Uttarkashi Accident: ઉત્તરાખંડમાં કાર નદીમાં પડતા અમદાવાદના 4 શ્રદ્ધાળુઓના મોત, બે લાપતા

Uttarkashi Accident:

Uttarkashi Accident: ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાંથી એક અત્યંત દુઃખદ અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ગુરુવારે સવારે ગંગોત્રી નેશનલ હાઈવે પર જઈ રહેલી એક ‘ઈનોવા’ કાર અનિયંત્રિત થઈને ઊંડી ખાઈમાંથી થઈને ભાગીરથી નદીમાં ખાબકી હતી. આ ભયાનક અકસ્માતમાં ૪ શ્રદ્ધાળુઓના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. આ સિવાય વાહનમાં સવાર અન્ય બે વ્યક્તિઓ નદીના ધસમસતા પ્રવાહમાં ગુમ હોવાની આશંકા સેવાઈ રહી છે.

પ્રાથમિક માહિતી મુજબ, અકસ્માતનો ભોગ બનેલા આ તમામ મુસાફરો ગુજરાતના અમદાવાદ સ્થિત સાબરમતી વિસ્તારના રહેવાસી હતા. તેઓ ઉત્તરકાશીથી ગંગોત્રી ધામના દર્શન અર્થે જઈ રહ્યા હતા. જોકે, તમામ મુસાફરોના નામ અને ચોક્કસ સરનામા અંગે વહીવટી તંત્ર દ્વારા સત્તાવાર પુષ્ટિ કરવાની કામગીરી હાલ ચાલી રહી છે. અકસ્માતના સમાચાર મળતાં જ અમદાવાદમાં રહેતા તેમના સગા-સંબંધીઓમાં ચિંતા અને શોકનો માહોલ છવાઈ ગયો છે.

Uttarkashi Gangotri Highway Car Accident: ગરમકુંડ નજીક સર્જાયો અકસ્માત

આ દુર્ઘટના ગંગનાનીમાં આવેલા ‘ગરમકુંડ’ થી લગભગ ૨૦ મીટર આગળ ડબરા નજીક સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ ઉત્તરકાશીના જિલ્લા મેજિસ્ટ્રેટના નિર્દેશ મુજબ સ્થાનિક પોલીસ, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF), વોટર પોલીસ અને ૧૦૮ ઇમરજન્સી સેવાઓની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

બચાવ ટીમોએ ભારે જહેમત બાદ નદીના કિનારેથી ૪ મૃતદેહો બહાર કાઢ્યા છે, જ્યારે ગંભીર રીતે ઘવાયેલી એક વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની વિશેષ ટીમ પણ મનેરાથી ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. વોટર પોલીસ અને ડાઇવર્સની મદદથી નદીના ભારે પ્રવાહમાં ગુમ થયેલા અન્ય ૨ લોકોની શોધખોળ યુદ્ધના ધોરણે ચાલુ છે. ઉત્તરાખંડ વહીવટી તંત્ર દ્વારા તમામ મુસાફરોના ઓળખપત્રો ચકાસીને સ્વજનોનો સંપર્ક કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ચૈતર વસાવાની મુક્તિ માટે AAPનું આદિવાસી મહાસંમેલન, સરકારને 2027ની ચૂંટણી અંગે આપી ચેતવણી