Gujarat Central University VC તરીકે પ્રો. વિજિતા સિંહ અગ્રવાલે સોમવારે સત્તાવાર રીતે પદભાર સંભાળ્યો છે. આ સાથે તેઓ ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમ મહિલા કુલપતિ બન્યાં છે. આશરે 17 વર્ષ જૂની આ યુનિવર્સિટીને પ્રથમ વખત મહિલા કુલપતિ મળ્યાં છે. પદભાર સંભાળતી વખતે યુનિવર્સિટીના વરિષ્ઠ પ્રોફેસરોએ તેમનું સ્વાગત કર્યું હતું.
પ્રો. વિજિતા સિંહ અગ્રવાલ આ પહેલાં નવી દિલ્હીની ગુરુ ગોવિંદ સિંહ ઇન્દ્રપ્રસ્થ યુનિવર્સિટી સાથે સંકળાયેલાં હતાં. તેમને શિક્ષણ અને વહીવટના ક્ષેત્રમાં બહોળો અનુભવ છે. હવે તેઓ ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીની શૈક્ષણિક અને વહીવટી કામગીરીનું નેતૃત્વ કરશે.
એક વર્ષથી ખાલી હતી કુલપતિની જગ્યા
ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ પ્રો. રમાશંકર દુબેનો કાર્યકાળ 22 નવેમ્બર, 2025ના રોજ પૂર્ણ થયો હતો. તેમણે 22 નવેમ્બર, 2019ના રોજ પદ સંભાળ્યું હતું. એક વર્ષના કાર્યકાળના વિસ્તરણ બાદ તેઓ નિવૃત્ત થયા હતા. ત્યારથી યુનિવર્સિટીમાં કાર્યકારી કુલપતિ દ્વારા જવાબદારી સંભાળવામાં આવતી હતી. આશરે એક વર્ષના ઇંતજાર બાદ હવે નવા કુલપતિની નિમણૂક કરવામાં આવી છે.
Gujarat Central University VC તરીકે નવા નેતૃત્વની શરૂઆત
યુનિવર્સિટીના નિવેદન અનુસાર, પ્રો. અગ્રવાલની નિમણૂક સંસ્થાના ઇતિહાસમાં મહત્વપૂર્ણ ઘટના છે. તેમના નેતૃત્વ હેઠળ ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ, સંશોધન, નવીનતા અને સંસ્થાકીય વિકાસને પ્રોત્સાહન આપવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીની સ્થાપના વર્ષ 2009માં થઈ હતી. શરૂઆતમાં ગાંધીનગરના સેક્ટર-29 અને સેક્ટર-30માં આવેલા કામચલાઉ પરિસરોમાંથી તેનું સંચાલન થતું હતું. યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકે પ્રોફેસર એસ. એ. બારી અને ત્યારબાદ પ્રો. રમાશંકર દુબેએ જવાબદારી સંભાળી હતી.
યુનિવર્સિટીને રાષ્ટ્રીય મૂલ્યાંકન અને માન્યતા પરિષદ (NAAC) તરફથી A+ ગ્રેડ મળ્યો છે. જૂન 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કુંઢેલા ગામમાં યુનિવર્સિટીના કાયમી કેમ્પસનો શિલાન્યાસ કર્યો હતો. આશરે 100 એકર વિસ્તારમાં વિકસાવવામાં આવેલા આ કેમ્પસમાં આધુનિક પ્રયોગશાળાઓ, કેન્દ્રીય પુસ્તકાલય, વ્યાખ્યાન ખંડો અને છાત્રાલય જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે.

