ISSF વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતને ગોલ્ડ, મનુ ભાકર અને ઈશા સિંહ ઓલિમ્પિક ક્વોટાથી ચૂકી ગયાં

ISSF World Championship 2026

ISSF World Championship 2026માં ભારતીય મહિલા નિશાનેબાજ ઈશા સિંહ, મનુ ભાકર અને દિવ્યા થાડિગોલ સુબ્બારાજુએ 25 મીટર પિસ્ટલ ટીમ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે. જોકે, વ્યક્તિગત ફાઇનલમાં મનુ ભાકર અને ઈશા સિંહ 2028 લોસ એન્જલસ ઓલિમ્પિક માટેનો ક્વોટા મેળવવામાં નિષ્ફળ રહ્યાં હતાં. ઈશા આઠમા સ્થાને રહી, જ્યારે મનુએ ચોથું સ્થાન મેળવ્યું હતું.

ટીમ સ્પર્ધામાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઈશા સિંહે 590 પોઇન્ટ મેળવીને ક્વોલિફિકેશનમાં ભારતીય નિશાનેબાજોમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. મનુ ભાકરે 587 અને દિવ્યા સુબ્બારાજુએ 584 પોઇન્ટ મેળવ્યા હતા. ત્રણેયના કુલ 1,761 પોઇન્ટના આધારે ભારતે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

વ્યક્તિગત ફાઇનલમાં મનુ ભાકર ચોથા સ્થાને

વ્યક્તિગત ફાઇનલમાં દક્ષિણ કોરિયાની યાંગ જિને 44 પોઇન્ટ સાથે વિશ્વ વિક્રમ નોંધાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. વિયેતનામની ત્રિન્હ થુ વિન્હે 43 પોઇન્ટ સાથે સિલ્વર અને ચીનની ઝાંગ યુયુએ 34 પોઇન્ટ સાથે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. આ ત્રણેય ખેલાડીઓએ પોતાના દેશ માટે 2028 ઓલિમ્પિકનો ક્વોટા પણ મેળવ્યો હતો.

ક્વોલિફિકેશનમાં ત્રીજા સ્થાને રહેલી ઈશા ફાઇનલમાં માત્ર 11 હિટ નોંધાવી શકી હતી અને આઠમા સ્થાને રહીને બહાર થઈ હતી. બીજી તરફ, મનુ ભાકરે 27 હિટ નોંધાવ્યાં હતાં. અનેક શૂટઆઉટ બાદ પણ તે મેડલથી વંચિત રહી હતી.

ISSF World Championship 2026: ભારતના ઓલિમ્પિક ક્વોટાની સ્થિતિ

ભારતને અત્યાર સુધી પુરુષોની 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં જયપાલ માલવિયા દ્વારા એક ઓલિમ્પિક ક્વોટા મળ્યો હોવાનું અહેવાલમાં જણાવાયું છે. રાઇફલ સ્પર્ધાઓમાં પણ ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું નથી. સાધનોમાં ખામીના કારણે સાંભવી ક્ષીરસાગરને અયોગ્ય જાહેર કરાતાં ટીમને ઝટકો લાગ્યો હતો.

હવે ભારતીય ટીમની આશા પુરુષ અને મહિલા ટ્રેપ સ્પર્ધાઓ પર ટકેલી છે. મહિલા ટ્રેપમાં નીરુ ધાંડા, પ્રગતિ દુબે અને મનીષા કીરે શરૂઆતના રાઉન્ડમાં ભાગ લીધો હતો. નીરુએ 39 પોઇન્ટ સાથે 69મું, પ્રગતિએ 46 પોઇન્ટ સાથે 18મું અને મનીષાએ 43 પોઇન્ટ સાથે 41મું સ્થાન મેળવ્યું હતું.

ટ્રેપ સ્પર્ધાના ક્વોલિફિકેશનમાં હજુ વધુ રાઉન્ડ બાકી હોવાથી ભારતીય ખેલાડીઓ પાસે વાપસી કરવાની તક છે. પાંચ રાઉન્ડ પૂર્ણ થયા બાદ ટોચના આઠ નિશાનેબાજો ફાઇનલમાં પ્રવેશશે. ભારતીય ટીમ હવે આગામી રાઉન્ડમાં વધુ સારા પ્રદર્શન સાથે મેડલ અને ઓલિમ્પિક ક્વોટાની આશા જીવંત રાખવાનો પ્રયાસ કરશે.

Indian Stock Market Rally: સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો ઉછાળો