Jammu Kashmir Road Accidentમાં જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં સોનમર્ગથી શ્રીનગર જઈ રહેલી ટેમ્પો ટ્રાવેલર અંદાજે 60 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. કંગન વિસ્તારના ગુંડ સુંબલ પાવર હાઉસ નજીક બનેલી આ દુર્ઘટનામાં ડ્રાઈવર સહિત કુલ 18 પ્રવાસીઓ ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલોમાં અમદાવાદ અને સુરતના 8 પ્રવાસીઓનો પણ સમાવેશ હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક અહેવાલો અનુસાર, છ ઈજાગ્રસ્તોની હાલત અત્યંત નાજુક છે.
અકસ્મતની જાણ થતાં જ સ્થાનિક રહીશો અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ગનીવન, ગુંડ અને સોનમર્ગનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાંથી એમ્બ્યુલન્સ બોલાવીને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તમામ ઈજાગ્રસ્તોને પ્રથમ ગુંડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ખાતે લઈ જવામાં આવ્યા હતા.
ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તબીબોએ તમામ 18 ઘાયલોને વધુ સારવાર માટે શ્રીનગરની શેર-એ-કાશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (SKIMS) હોસ્પિટલમાં ખસેડ્યા હતા. છ લોકોની સ્થિતિ ગંભીર હોવાનું પ્રાથમિક માહિતીમાં જણાવાયું છે.
Jammu Kashmir Road Accident: અમદાવાદ અને સુરતના પ્રવાસીઓ પણ ઘાયલ
સબ-ડિવિઝનલ પોલીસ ઓફિસર (SDPO)ના જણાવ્યા અનુસાર, વાહનમાં ગુજરાત ઉપરાંત પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ અને પંજાબના ગુરદાસપુરના પ્રવાસીઓ પણ સવાર હતા.
અમદાવાદના ઈજાગ્રસ્તોમાં શારદાબેન (58), રમેશભાઈ (59), શોભાબેન (50) અને રાજેશકુમારનાં નામ સામે આવ્યાં છે. જ્યારે સુરતનાં દાયશાબેન (42) સહિતના પ્રવાસીઓ પણ ઘાયલ થયા છે. વાહન પંજાબના ગુરદાસપુરના રહેવાસી ડ્રાઈવર ચલાવી રહ્યા હતા.
પોલીસની પ્રાથમિક તપાસમાં વાહનની વધુ ઝડપને કારણે ચાલકે કાબૂ ગુમાવ્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, અકસ્માતનું ચોક્કસ કારણ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. હાલમાં પોલીસ સમગ્ર ઘટનાની વધુ તપાસ કરી રહી છે.

