મહેમદાવાદ માં આવેલા શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન સાથે જોડાયેલા એક શ્રદ્ધાળુ વેપારીએ પોતાનો અનોખો આધ્યાત્મિક અનુભવ વ્યક્ત કર્યો છે. વેપારમાં વારંવાર આવતા ઉતાર-ચઢાવ અને નુકસાનથી ચિંતિત આ વેપારીએ એક દિવસ શ્રી સિદ્ધિવિનાયક દાદાને પોતાના વ્યવસાયના ભાગીદાર બનાવવાનો સંકલ્પ કર્યો હતો.
ભક્તના જણાવ્યા અનુસાર, તેમણે પોતાના વ્યવસાયના ચોખ્ખા વાર્ષિક નફામાંથી 5 ટકા હિસ્સો દાદાનાં ચરણોમાં અર્પણ કરવાનો નિર્ણય લીધો હતો. આ સાથે વ્યવસાયના મહત્વપૂર્ણ નિર્ણયો લેતાં પહેલાં દાદાની પ્રાર્થના અને મંજૂરી લેવાનો સંકલ્પ પણ કર્યો હતો.
વેપારમાં ઉતાર-ચઢાવથી ભક્ત રહેતા હતા ચિંતિત
ભક્તે પોતાના અનુભવમાં જણાવ્યું હતું કે તેમનો વ્યવસાય ઘણા વર્ષોથી ચાલી રહ્યો હતો. જોકે, તેમાં સતત ઉતાર-ચઢાવ આવતા હતા. ક્યારેક સારો નફો થતો તો ક્યારેક મોટું નુકસાન સહન કરવું પડતું હતું. આ સ્થિતિને કારણે મનમાં સતત ચિંતા અને અસમંજસ રહેતાં હતાં.
આ દરમિયાન એક દિવસ શ્રી સિદ્ધિવિનાયક દાદાનાં દર્શન કરતી વખતે તેમના મનમાં એક વિચાર આવ્યો. તેમણે દાદાને પોતાના વેપારના મુખ્ય ભાગીદાર બનાવવાનો નિર્ણય કર્યો.
વાર્ષિક ચોખ્ખા નફાના 5 ટકા દાદાને અર્પણ કરવાનો સંકલ્પ
ભક્તે દાદાનાં શ્રીચરણોમાં સંકલ્પ લીધો કે હવેથી તેમના વ્યવસાયમાં દાદાની 5 ટકા ભાગીદારી રહેશે. દર વર્ષે વ્યવસાયમાંથી થનારા ચોખ્ખા નફાનો 5 ટકા હિસ્સો દાદાનાં ચરણોમાં અર્પણ કરવામાં આવશે.
આ ઉપરાંત, કોઈ પણ નવો કરાર કે મહત્વપૂર્ણ વ્યવસાયિક નિર્ણય લેતાં પહેલાં દાદાનું સ્મરણ કરીને પ્રાર્થના કરવાનો પણ તેમણે નિર્ધાર કર્યો હતો.
દાદાના આશીર્વાદથી વ્યવસાયમાં પ્રગતિ થઈ હોવાનો દાવો
ભક્તના જણાવ્યા મુજબ, આ સંકલ્પ બાદ તેમને વ્યવસાયમાં સકારાત્મક પરિવર્તનનો અનુભવ થયો હતો. કોઈ નવું કામ કે કરાર હાથ ધરવાનો હોય ત્યારે તેઓ દાદાનું સ્મરણ કરીને પ્રાર્થના કરતા હતા. ત્યારબાદ મળતા સંકેતોના આધારે યોગ્ય નિર્ણય લેતા હોવાનો તેમણે અનુભવ વ્યક્ત કર્યો હતો.
ભક્તે જણાવ્યું કે દાદા પ્રત્યેની શ્રદ્ધા અને સમર્પણભાવથી તેમને વ્યવસાયની મુશ્કેલીઓનો સામનો કરવાની હિંમત મળી. તેમના મતે, ત્યારબાદ વ્યવસાયમાં સતત પ્રગતિ થવા લાગી.
અન્ય ભક્તો સુધી પહોંચાડ્યો શ્રદ્ધાનો સંદેશ
શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન સંસ્થાએ ભક્ત દ્વારા વ્યક્ત કરવામાં આવેલા આ અનુભવને અન્ય શ્રદ્ધાળુઓ સુધી પહોંચાડવા માટે પ્રકાશિત કર્યો છે. સંસ્થાનો સંદેશ છે કે ભક્તોએ પોતાના જીવન અને વ્યવસાયમાં શ્રી સિદ્ધિવિનાયક દાદાનું સ્મરણ કરીને શ્રદ્ધા અને સમર્પણભાવ જાળવવો જોઈએ.

