Crypto Market Crashના કારણે વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી બજારમાં ભારે ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં સમગ્ર ક્રિપ્ટો માર્કેટનું મૂડીકરણ 5 ટકાથી વધુ ઘટતાં રોકાણકારોના આશરે 0.13 ટ્રિલિયન ડૉલર એટલે કે લગભગ ₹12.23 લાખ કરોડનું મૂલ્ય ઘટ્યું છે. શુક્રવારે સવારે 9:30 વાગ્યે ક્રિપ્ટો માર્કેટ કૅપ 2.45 ટ્રિલિયન ડૉલરથી ઘટીને 2.32 ટ્રિલિયન ડૉલર પર પહોંચ્યું હતું.
બજારમાં ઘટાડા સાથે રોકાણકારોનો ભય પણ વધ્યો છે. ક્રિપ્ટો ફિયર એન્ડ ગ્રીડ ઇન્ડેક્સ ઘટીને 19 પર આવી ગયો છે, જે રોકાણકારોમાં ભય અને સાવચેતી દર્શાવે છે.
બિટકોઇનની કિંમતમાં પણ મોટો ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં તેની કિંમત 6 ટકાથી વધુ ઘટીને 70,000 ડૉલરની નીચે આવી ગઈ હતી. સવારે આશરે 9:30 વાગ્યે એક બિટકોઇન 68,852 ડૉલર પર ટ્રેડ થઈ રહ્યો હતો. છેલ્લા સાત દિવસમાં તેમાં 9 ટકાથી વધુ અને એક મહિનામાં 17 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે.
Crypto Market Crash પાછળનાં મુખ્ય કારણો શું છે?
બજાર પર મોંઘવારીની ચિંતા, સરકારી બૉન્ડના વ્યાજદરમાં વધારો અને ક્રિપ્ટો ETFમાંથી સતત નાણાં પાછાં ખેંચાવાનું દબાણ છે. ટેકનોલોજી ક્ષેત્રના શૅરોમાં નબળાઈ અને Nvidiaના CEO જેન્સન હુઆંગના રાજીનામા અંગેના સમાચારો પણ રોકાણકારોની ચિંતામાં વધારો કરી રહ્યા છે. જોકે, બિટકોઇનના ઘટાડા માટે આ સમાચારને એકમાત્ર કારણ માનવાનો કોઈ નક્કર પુરાવો નથી.
WazirXના સ્થાપક નિશ્ચલ શેટ્ટીના જણાવ્યા અનુસાર, બિટકોઇનનો RSI આશરે 29 પર છે, જે તેને ઓવરસોલ્ડ ઝોનની નજીક દર્શાવે છે. તેમના મતે 70,000થી 70,500 ડૉલરનું સ્તર મહત્ત્વનું સપોર્ટ છે. આ સ્તર તૂટે તો 68,500થી 69,000 ડૉલરનું સ્તર આગળનો સપોર્ટ બની શકે છે.
અન્ય ક્રિપ્ટોકરન્સીમાં પણ વેચવાલી જોવા મળી છે. ઇથેરિયમ આશરે 6 ટકા ઘટીને 1,920 ડૉલર, બાઇનાન્સ 6 ટકાથી વધુ ઘટીને 630 ડૉલર અને સોલાના આશરે 6 ટકા ઘટ્યા હતા. રિપલ, ટ્રોન અને ડોજકોઇનમાં પણ ઘટાડો નોંધાયો હતો.
સ્પોટ બિટકોઇન ETFમાંથી 11 નવેમ્બરે આશરે 29.98 કરોડ ડૉલર પાછા ખેંચાયા હતા. સતત પાંચ દિવસમાં કુલ ઉપાડ આશરે 1.44 અબજ ડૉલર થયો હતો. બજારમાં ફરી સ્થિરતા ક્યારે આવશે તે ખરીદી અને રોકાણકારોના વિશ્વાસ પર નિર્ભર રહેશે.

