Resistant Hypertension એટલે એવી સ્થિતિ, જેમાં બ્લડ પ્રેશર ઘટાડવા માટે અલગ-અલગ દવાઓ લેવા છતાં તે નિયંત્રણમાં આવતું નથી. સામાન્ય રીતે ત્રણ પ્રકારની દવાઓ, જેમાં એક ડાયયુરેટિક દવાનો સમાવેશ થાય છે, લેવા છતાં બ્લડ પ્રેશર ઊંચું રહે અથવા તેને નિયંત્રણમાં રાખવા ચાર કે તેથી વધુ દવાઓની જરૂર પડે ત્યારે આ સ્થિતિની શંકા થઈ શકે છે. નિષ્ણાતોના મતે, આવી સ્થિતિમાં યોગ્ય તપાસ કરાવવી જરૂરી છે.
ફોર્ટિસ હૉસ્પિટલ, વસંત કુંજના ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીના એડિશનલ ડિરેક્ટર ડૉ. એસ.એન. પાઠકના જણાવ્યા અનુસાર, સતત ઊંચું બ્લડ પ્રેશર હૃદય અને નસો પર વધારાનું દબાણ લાવે છે. લાંબા સમય સુધી બ્લડ પ્રેશર નિયંત્રણમાં ન રહે તો હાર્ટ એટેક, સ્ટ્રોક, હાર્ટ ફેલિયર અને કિડનીની બીમારીનું જોખમ વધી શકે છે.
જોકે, દવા લેવા છતાં બ્લડ પ્રેશર ઊંચું રહેવાનો અર્થ હંમેશાં સારવાર નિષ્ફળ ગઈ છે એવો નથી. કેટલીક વખત બ્લડ પ્રેશર માપવાની ખોટી પદ્ધતિ અથવા હૉસ્પિટલમાં ગભરામણને કારણે રીડિંગ ઊંચું આવી શકે છે. આ સ્થિતિને વ્હાઇટ-કોટ હાઇપરટેન્શન કહેવામાં આવે છે.
Resistant Hypertension થવાનાં મુખ્ય કારણો કયાં છે?
દવા સમયસર ન લેવી, ડોઝ ચૂકી જવો અથવા આડઅસરોને કારણે સારવાર બંધ કરી દેવી બ્લડ પ્રેશર વધવાનું કારણ બની શકે છે. આ ઉપરાંત વધુ મીઠું ખાવું, દારૂનું સેવન, વધતું વજન અને શારીરિક પ્રવૃત્તિનો અભાવ પણ બ્લડ પ્રેશર નિયંત્રણમાં મુશ્કેલી ઊભી કરી શકે છે.
કેટલીક પેઇનકિલર્સ, સ્ટેરોઇડ્સ અને નાક ખોલવાની દવાઓ પણ બ્લડ પ્રેશર વધારી શકે છે. કિડનીની બીમારી, પ્રાઇમરી એલ્ડોસ્ટેરોનિઝમ અને ઊંઘ દરમિયાન શ્વાસ વારંવાર અટકવાની સમસ્યા એટલે કે ઑબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા પણ સંભવિત કારણો છે.
કઈ તપાસથી કારણ જાણી શકાય?
ડૉક્ટર દર્દીની દવાઓ, જીવનશૈલી અને અગાઉનાં બ્લડ પ્રેશર રીડિંગની સમીક્ષા કરે છે. જરૂરિયાત મુજબ ઘરે બ્લડ પ્રેશર માપવાની સલાહ અથવા 24 કલાકનો એમ્બ્યુલેટરી બ્લડ પ્રેશર ટેસ્ટ કરાવવામાં આવી શકે છે.
આ ઉપરાંત કિડનીની કાર્યક્ષમતા, બ્લડ શુગર અને ઇલેક્ટ્રોલાઇટ્સ તપાસવા માટે લોહી તથા પેશાબના ટેસ્ટ થઈ શકે છે. દરેક દર્દીને તમામ તપાસની જરૂર હોતી નથી.
બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખવા શું કરવું?
સારવારમાં દવાઓના ડોઝ અથવા મિશ્રણમાં ફેરફાર, નવી દવા ઉમેરવી કે છુપાયેલી બીમારીની સારવાર સામેલ હોઈ શકે છે. મીઠું ઓછું ખાવું, વજન નિયંત્રણમાં રાખવું, નિયમિત કસરત કરવી, પૂરતી ઊંઘ લેવી અને દારૂનું સેવન મર્યાદિત રાખવું પણ મદદરૂપ થઈ શકે છે.
દર્દીઓએ બ્લડ પ્રેશરનો નિયમિત રેકોર્ડ રાખવો અને ડૉક્ટર પાસે સમયાંતરે તપાસ કરાવવી જોઈએ. ડૉક્ટરની સલાહ વિના દવાનો ડોઝ વધારવો, ઘટાડવો કે દવા બંધ કરવી નહીં.

