AI Employee Management System દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) હવે પોતાના કર્મચારીઓના સંચાલન માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત નવી ઓનલાઈન વ્યવસ્થા વિકસાવવાની તૈયારીમાં છે. આશરે રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર થનારી આ સિસ્ટમમાં કર્મચારીઓને કામગીરી સોંપવા, તેમના કામનું મૂલ્યાંકન કરવા અને બઢતી તથા તાલીમ અંગે સૂચનો મેળવવા AIની મદદ લેવામાં આવશે.
હાલ અમદાવાદ મ્યુનિ.માં કાયમી અને કોન્ટ્રાક્ટ આધારિત મળીને અંદાજે 18થી 20 હજાર કર્મચારીઓ કામ કરી રહ્યા છે. કર્મચારીઓની કામગીરી, હાજરી, નિયમિતતા અને સિનિયોરિટી જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ નવી વ્યવસ્થા તૈયાર કરવાનું આયોજન છે. હાલમાં ઉપલબ્ધ ઓનલાઈન સિસ્ટમ મુખ્યત્વે હાજરી અને પગાર જેવી બાબતો સુધી મર્યાદિત છે.
નવી સિસ્ટમમાં કર્મચારીઓની કામગીરીનું થશે મૂલ્યાંકન
આયોજિત સિસ્ટમમાં દરેક કર્મચારીની નિમણૂક, હોદ્દો, બઢતી, કામગીરી અને નિવૃત્તિ સુધીની વિગતો સાથે ડિજિટલ પ્રોફાઇલ તૈયાર કરવામાં આવશે. કર્મચારીઓના જૂના દસ્તાવેજોને ડિજિટાઇઝ કરીને ઈ-સર્વિસ બુક પણ બનાવવામાં આવશે.
કર્મચારીની ક્ષમતા અને તેના પર રહેલા કામના ભારણને ધ્યાનમાં રાખીને કયું નવું કામ કે પ્રોજેક્ટ કોને સોંપવો તે નક્કી કરવામાં AIની મદદ લેવામાં આવશે. કી પર્ફોર્મન્સ ઇન્ડિકેટર (KPI)ના આધારે કામગીરીનું મૂલ્યાંકન કરીને બઢતી અને તાલીમ અંગે પણ સૂચનો મેળવવાનું આયોજન છે.
ભવિષ્યમાં મ્યુનિ.માં કાયમી કર્મચારીઓની સંખ્યા 30 હજાર અને આઉટસોર્સ કર્મચારીઓની સંખ્યા 20 હજાર સુધી પહોંચે તો કુલ 50 હજાર કર્મચારીઓનું સંચાલન થઈ શકે તેવી ક્ષમતા સિસ્ટમમાં રાખવાની યોજના છે.
અગાઉની AI યોજનાઓની અમલવારી અંગે સવાલ
મ્યુનિ. દ્વારા અગાઉ ફરિયાદ નિવારણ માટેના CCRS પોર્ટલને AI સાથે જોડવાની અને રસ્તાના ખાડા, ભૂવા તથા તૂટેલી ફૂટપાથ ઓળખવા AI આધારિત રોડ મેનેજમેન્ટ સિસ્ટમ વિકસાવવાની વાત કરવામાં આવી હતી. દાવા મુજબ, ફોટોના આધારે વિસ્તાર, વોર્ડ અને ઝોન ઓળખીને ફરિયાદ સંબંધિત અધિકારી સુધી પહોંચાડવાની વ્યવસ્થા થવાની હતી.
જોકે, આ બંને યોજનાઓની અત્યાર સુધી કેટલી અમલવારી થઈ છે તે અંગે સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી. હવે નવી કર્મચારી વ્યવસ્થામાં AIનો વાસ્તવિક ઉપયોગ કેટલો અસરકારક રહેશે અને કામગીરીમાં કેટલી પારદર્શિતા આવશે તે જોવું રહ્યું.

