Vande Bharat Train પર ગુજરાતમાં ફરી પથ્થરમારાની ઘટના સામે આવી છે. ગાંધીનગરથી મુંબઈ જતી વંદે ભારત એક્સપ્રેસ પર મંગળવારે, 17 નવેમ્બરના રોજ સુરત અને નવસારી વચ્ચે આવેલા સચિન રેલવે સ્ટેશન નજીક અજાણ્યા શખ્સે પથ્થર ફેંક્યો હતો. માત્ર 10 દિવસમાં બીજી વખત આવી ઘટના બનતાં રેલવે મુસાફરોની સુરક્ષા અંગે ચિંતા ઊભી થઈ છે.
મળતી માહિતી મુજબ, સાંજે આશરે 5:23 વાગ્યે ટ્રેન સુરતથી નવસારી તરફ જઈ રહી હતી. આ દરમિયાન ફેંકવામાં આવેલો પથ્થર ટ્રેનના C-4 કોચની બારી સાથે અથડાયો હતો. તેના કારણે બારીનો બહારનો કાચ તૂટી ગયો હતો. કોચમાં બેઠેલા મુસાફરો પથ્થર અથડાવાના અવાજથી ગભરાઈ ગયા હતા.
જોકે, સદનસીબે બારીનો અંદરનો કાચ સુરક્ષિત રહ્યો હતો અને કોઈ મુસાફરને ઈજા થઈ હોવાની માહિતી નથી.
Vande Bharat Train પર પથ્થરમારા બાદ RPFની તપાસ શરૂ
ઘટનાની જાણ થતાં રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને રેલવે વિભાગના અધિકારીઓએ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. આ મામલે સચિન પોલીસ સ્ટેશન અને RPFમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. પથ્થરમારો કરનાર વ્યક્તિની ઓળખ અને તેને પકડવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.
સુરત અને આસપાસના રેલવે ટ્રેક પરથી પસાર થતી ટ્રેનો પર અગાઉ પણ પથ્થરમારાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. આવી ઘટનાઓને કારણે મુસાફરોની સલામતી અને રેલવે સુરક્ષા વ્યવસ્થા અંગે સવાલો ઊભા થઈ રહ્યા છે.
વંદે ભારત જેવી સેમી હાઈસ્પીડ ટ્રેનને વારંવાર નિશાન બનાવવામાં આવતી હોવાની બાબત પણ તપાસનો વિષય છે. જોકે, પથ્થરમારા પાછળનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. રેલવે તંત્ર દ્વારા આરોપીની ઓળખ અને ઘટનાના કારણ અંગે તપાસ આગળ વધારવામાં આવી રહી છે.

