Jama Masjid Police Station Attack દિલ્હીની જામા મસ્જિદ પોલીસ ચોકીમાં સોમવારે (23 નવેમ્બર) ચોંકાવનારી ઘટના બની હતી. પરિવારના વિવાદમાં પૂછપરછ માટે બોલાવવામાં આવેલા 30 વર્ષીય નબીલે પોલીસકર્મીઓ પર છરીથી હુમલો કર્યો હતો. આ હુમલામાં પોલીસ સ્ટેશનમાં હાજર પાંચ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.
ત્યારબાદ આરોપી ત્યાંથી ભાગી ગયો હતો. પોલીસે તેનો પીછો કર્યો ત્યારે ચિટલી કેમ્પ વિસ્તારમાં તેણે વધુ ચાર પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો. અંતે પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરતાં આરોપીને છ ગોળી વાગી હતી.
Jama Masjid Police Station Attack પોલીસ સ્ટેશનમાં પ્રવેશતાં જ પૂછ્યું, ‘મને કોણે બોલાવ્યો?’
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, નબીલની માતા અને બહેને તેની વિરુદ્ધ ફરિયાદ કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે નબીલ ઘરમાં તેમની સાથે ગાળાગાળી અને મારપીટ કરે છે. ઉપરાંત તેમને જાનમાલની ધમકી પણ આપે છે.
આ ફરિયાદના આધારે બંને મહિલાઓ 23 નવેમ્બરે બપોરે જામા મસ્જિદ પોલીસ સ્ટેશન પહોંચી હતી. પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અજયે નબીલને ફોન કરીને પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો.
નબીલ બપોરે આશરે 2:30 વાગ્યે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. ત્યાં પ્રવેશતાં જ તેણે પૂછ્યું હતું કે, ‘મને કોણે બોલાવ્યો?’ જ્યારે સબ-ઇન્સ્પેક્ટર અજયે પોતાનો પરિચય આપ્યો ત્યારે નબીલે અચાનક ખિસ્સામાંથી છરી કાઢીને તેમના પર હુમલો કર્યો હતો.
બચાવવા આવેલા પોલીસકર્મીઓ પર પણ છરીથી હુમલો
અજયને બચાવવા અન્ય પોલીસકર્મીઓ આગળ આવ્યા હતા. જોકે, આરોપીએ તેમની પર પણ છરીથી હુમલો કર્યો હતો. આ ઘટનામાં બે સબ-ઇન્સ્પેક્ટર, એક આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર અને બે હેડ કોન્સ્ટેબલ સહિત પાંચ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.
ઘાયલોને શરૂઆતમાં નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ત્યારબાદ ગંભીર ઈજાઓને ધ્યાનમાં રાખીને તેમને સર ગંગારામ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સ્કૂટર સવારને ધક્કો મારી વાહન છીનવી ભાગ્યો
પોલીસ સ્ટેશનમાં હુમલો કર્યા બાદ નબીલ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. રસ્તામાં તેણે એક સ્કૂટર સવારને રોક્યો હતો. તેને ધક્કો મારી સ્કૂટર છીનવી લીધું અને ત્યાંથી ભાગી ગયો હતો.
આરોપીને પકડવા માટે દરિયાગંજ, જામા મસ્જિદ, ચાંદની મહેલ, ઓપરેશન યુનિટ અને સ્પેશિયલ સ્ટાફ સહિતની પોલીસ ટીમો કામે લાગી હતી.
ચિટલી કેમ્પમાં વધુ ચાર પોલીસકર્મીઓ પર હુમલો
પોલીસે નબીલને જૂની દિલ્હીના ચિટલી કેમ્પ વિસ્તારમાં શોધી કાઢ્યો હતો. આશરે સાંજે 4:30 વાગ્યે પોલીસ ટીમે તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો.
આ સમયે નબીલે ફરી છરી કાઢીને પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો. તેમાં કોન્સ્ટેબલ અંકિત, જયંત, લોકેશ અને પરમિન્દર ઘાયલ થયા હતા. આ રીતે સમગ્ર ઘટનામાં કુલ નવ પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા.
પોલીસે 8 રાઉન્ડ ફાયરિંગ કર્યું, આરોપીને 6 ગોળી વાગી
પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, આરોપી કાબૂમાં ન આવતાં અને પોલીસકર્મીઓ પર હુમલો ચાલુ રાખતાં સ્વબચાવમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પોલીસે કુલ આઠ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં છ ગોળી આરોપીના પગમાં વાગી હતી.
નબીલને પણ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આ સમગ્ર ઘટનામાં પોલીસ સ્ટેશનમાં હુમલો, સ્કૂટર છીનવવું અને ચિટલી કેમ્પમાં પોલીસ પર હુમલો કરવા અંગે અલગ-અલગ કેસ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આરોપી માનસિક રીતે સ્વસ્થ હોવાનું પોલીસનું નિવેદન
ઘટના બાદ આરોપીની માનસિક સ્થિતિ અંગે અફવાઓ ફેલાઈ હતી. જોકે, DCP રોહિત રાજબીર સિંહે સ્પષ્ટતા કરી હતી કે નબીલ માનસિક રીતે સ્વસ્થ છે. તેમણે તેને માનસિક રીતે અસ્વસ્થ ગણાવતી વાતોને ખોટી ગણાવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, નબીલ સામે અગાઉ પણ દરિયાગંજ પોલીસ સ્ટેશનમાં મારામારી સંબંધિત એક કેસ નોંધાયેલો હતો. સમગ્ર ઘટનાની વધુ તપાસ ચાલી રહી છે.

