Jigar Solanki Murder અમદાવાદ શહેરમાં ક્રાઈમનો ગ્રાફ સતત ઊંચે જઈ રહ્યો છે અને હવે ગુનેગારોને કાયદાનો કોઈ ડર જ ન રહ્યો હોય તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. શહેરના પૂર્વ વિસ્તાર ઇસનપુરમાં એક અત્યંત ચોંકાવનારી અને હચમચાવી નાખનારી ઘટના સામે આવી છે. ગોતાની સિલ્વર ઓક કોલેજમાં અભ્યાસ કરતા ૨૧ વર્ષીય વિદ્યાર્થી જીગર સોલંકીની અજાણ્યા શખ્સો દ્વારા અત્યંત ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી છે. આ ઘાતકી હત્યાથી સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ છવાઈ ગયો છે.
Jigar Solanki Murder મિત્રોને મળવા નીકળેલા યુવકનું ઘાતકી મર્ડર
બોથડ પદાર્થથી જીવલેણ હુમલો કરી નગ્ન હાલતમાં ફેંકી દીધો
ગુનેગારોએ ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હુમલાખોરોએ કોઈ ભારે બોથડ પદાર્થથી જીગર પર જીવલેણ વાર કર્યા હતા અને તેને ઢોર માર માર્યો હતો. હત્યાનો અંજામ આપ્યા બાદ રાક્ષસી વૃત્તિ ધરાવતા આ ગુનેગારોએ યુવકના મૃતદેહને નગ્ન હાલતમાં તેના ઘર (ઇસનપુરમાં તીર્થભૂમિ એપાર્ટમેન્ટ) પાસે જ ફેંકી દીધો હતો. ગંભીર રીતે ઘવાયેલા અને લોહીલુહાણ હાલતમાં પડેલા જીગરને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન જ તેનું કરુણ મોત નીપજ્યું હતું.
સીસીટીવી ફૂટેજના આધારે પોલીસની સઘન તપાસ શરૂ
દીકરાની આટલી ક્રૂર અને ઘાતકી હત્યાના કારણે પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે. યુવકના મામાએ આ મામલે ઇસનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને અજાણ્યા હુમલાખોરો સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ હત્યા પાછળ કોઈ જૂની અદાવત છે કે અન્ય કોઈ કારણ, તે જાણવા માટે પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ કબજે કરીને આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
નાયરા પેટ્રોલ પંપ પર ભાવ વધારો: પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો

