ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC) નો વિરોધ: મુજાહિદ નફીસે કાયદાને ગણાવ્યો બંધારણ વિરુદ્ધ

ગુજરાતમાં UCCનો વિરોધ

ગુજરાતમાં UCCનો વિરોધ -ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC) ના અમલની કવાયત વચ્ચે તેનો વિરોધ પણ તેજ બની રહ્યો છે. માઈનોરિટી કોઓર્ડિનેશન કમિટી (Minority Coordination Committee) ના કન્વીનર મુજાહિદ નફીસે આ કાયદાનો સખત વિરોધ નોંધાવતા તેને ભારતીય બંધારણની મૂળ ભાવના વિરુદ્ધ ગણાવ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ભારતના નાગરિક છે અને બંધારણ દ્વારા મળેલા મૂળભૂત અધિકારો તેમજ પોતાના ધર્મ અને રૂઢિ દ્વારા સ્થાપિત કૌટુંબિક કાયદાઓમાં સંપૂર્ણ વિશ્વાસ ધરાવે છે.

ગુજરાતમાં UCCનો વિરોધ – બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન થવાનો દાવો

મુજાહિદ નફીસે આક્ષેપ કર્યો છે કે UCC ના અમલથી ભારતના બંધારણ મુજબ નાગરિકોને પોતાના ધર્મનું પાલન કરવા માટે આપવામાં આવેલી અનુચ્છેદ ૨૫, ૨૬, ૨૮ અને ૨૯ ની સ્વતંત્રતા અને બંધારણીય હકોનું સીધું ઉલ્લંઘન થાય છે. તેમણે બંધારણના આર્ટિકલ ૪૪ નો હવાલો આપતા સવાલ ઉઠાવ્યો છે કે આ આર્ટિકલ આખા દેશ માટે ‘કોમન સિવિલ કોડ’ ની વાત કરે છે, તો પછી રાજ્યો માટે અલગ અલગ સિવિલ કોડ બનાવીને તેને ‘કોમન’ કઈ રીતે કહી શકાય? ઉત્તરાખંડના UCC મોડલની ટીકા કરતા તેમણે જણાવ્યું હતું કે તેમાં બહુમતી ધર્મના કાયદાને અન્ય તમામ કૌટુંબિક કાયદાઓ પર થોપી દેવામાં આવ્યો છે.

મિલકતના અધિકારો અને કાનૂની ગૂંચવણો અંગે ચિંતા

મિલકતના અધિકારો અંગે વાત કરતા નફીસે દાવો કર્યો હતો કે ઇસ્લામ ધર્મમાં શરૂઆતથી જ મહિલાઓને મિલકતમાં અધિકારો આપવામાં આવ્યા છે અને તેને લગતા વિવાદો નહિવત્ છે. જ્યારે અન્ય કાયદાઓમાં મહિલાઓને પાછળથી અધિકારો મળ્યા હોવાથી કોર્ટમાં વિવાદોનું પ્રમાણ વધુ છે. તેમના મતે, નવી UCC લાવવાથી મિલકતના અધિકારો બાબતે કાનૂની વિવાદો ઘટવાને બદલે પ્રક્રિયાઓ વધુ લાંબી અને જટિલ બનશે.

સડકથી લઈને ન્યાયાલય સુધી વિરોધની ચીમકી

UCC ના વિરોધમાં આગામી રણનીતિ અંગે મુજાહિદ નફીસે ચીમકી ઉચ્ચારી છે કે માઈનોરિટી કોઓર્ડિનેશન કમિટી ગુજરાતના છેવાડાના લાખો ન્યાયપ્રિય લોકો સુધી પહોંચશે. લોકોને આ નવા કાયદાથી થનારા સંભવિત નુકસાન વિશે માહિતગાર કરવામાં આવશે અને જરૂર પડ્યે આ કાયદાને સડકથી લઈને ન્યાયાલય (કોર્ટ) સુધી કાનૂની રીતે પડકારવામાં આવશે.

ગુજરાતમાં UCC લાગુ, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, લગ્ન, સંપત્તિ અને લિવ-ઇન રિલેશનશિપ અંગે લાગુ થશે નવા નિયમો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *