Ahmedabad Outer Ring Road : અમદાવાદ મહાનગર અને તેની આસપાસના વિસ્તારોમાં વાહનોની વધતી સંખ્યા અને ટ્રાફિકની સમસ્યાના કાયમી ઉકેલ માટે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) દ્વારા એક મોટો અને મહત્વકાંક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. ઔડા દ્વારા અમદાવાદની ફરતે ૩૦૦ ફૂટનો તદ્દન નવો ‘આઉટર રિંગ રોડ’ (Outer Ring Road) બનાવવાનો ૧૦ વર્ષીય ભવ્ય વિકાસ યોજનાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ નવો હાઇટેક રિંગ રોડ ડેડિકેટેડ ફ્રેડ કોરિડોર (Dedicated Freight Corridor) ના સમાંતર અંતરેથી પસાર થઈને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના આર્થિક માળખાને બદલી નાખશે.
Ahmedabad Outer Ring Road : 9 ગામને થશે મોટો ફાયદો
એક અહેવાલ મુજબ, આ નવો રિંગ રોડ અમદાવાદની આસપાસના મહત્વના ૯ ગામોમાંથી પસાર થશે. આ પ્રોજેક્ટના કારણે આ વિસ્તારોમાં જમીનની કિંમતો વધવાની સાથે-સાથે ટ્રાફિક વ્યવસ્થા વધુ સુગમ બનશે. આ રિંગ રોડની મુખ્ય માર્ગની બંને બાજુએ ૩ અને ૪ લેનના (3 & 4 Lane) સર્વિસ રોડ વિકસાવવાનો અદભુત વિકલ્પ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત, રિંગ રોડની બહારની તરફ ખાસ ‘યુટિલિટી કોરિડોર’ અને ચોમાસાના પાણીના ઝડપી નિકાલ માટે આધુનિક વરસાદી ગટર (Stormwater Drain) ની કનેક્ટિવિટી ઊભી કરવામાં આવશે.
વાહનોની બિનઅવરોધિત અવરજવર માટે આ આખા રિંગ રોડ પર અદભુત સુવિધાઓ જેવી કે વિશાળ ફ્લાય ઓવર બ્રિજ, રોડ અંડર બ્રિજ, ગ્રેડ સેપરેટર અને રાહદારીઓ માટે ફૂટ ઓવર બ્રિજ (FOB) નું નિર્માણ કરવામાં આવશે. આ હાઇટેક પ્રોજેક્ટમાં પાણી પુરવઠા અને કચરાના નિકાલ (Waste Management) માટે પણ અત્યારથી જ આયોજન કરી લેવાયું છે. ખાસ વાત એ છે કે, આ આઉટર રિંગ રોડ પર કુલ ૭ અત્યાધુનિક ટોલ પ્લાઝા (Toll Plaza) ઊભા કરાશે, અને આ તમામ ટોલ પ્લાઝા પરથી વાહનચાલકો પાસેથી ટોલ ટેક્સ ઉઘરાવવાની અને રોડની જાળવણી કરવાની સંપૂર્ણ સત્તા ઔડા (AUDA) ના પોતાના તંત્ર પાસે રહેશે.
નોંધનીય છે કે આ નવો ૩૦૦ ફૂટનો રિંગ રોડ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના સીમાડે આવેલા મહત્વના નવ ગામોમાંથી પસાર થશે. જેમાં મુખ્યત્વે રણછોડપુરા, ખાત્રજ, મણિપુર, ગોધવી, ચાંગોદર, કાસિન્દ્રા, જેતલપુર, બારેજડી અને શેરથા ગામનો સમાવેશ થાય છે. આ ૯ ગામો આસપાસના પેરિ-અર્બન ગ્રોથ સેન્ટર તરીકે ઉભરી આવશે, જેના કારણે આ વિસ્તારોમાં રીઅલ એસ્ટેટ, કોમર્શિયલ ડેવલપમેન્ટ અને નવી ટાઉન પ્લાનિંગ (TP) સ્કીમોને બહુ મોટો વેગ મળશે અને જમીનોના ભાવો પણ આસમાને પહોંચશે.
આ પણ વાંચો: વડોદરાના ડભોઇમાં પાવર ટાવર ધરાશાયી થતાં 3 શ્રમિકોના મોત, 4 ગંભીર ઈજાગ્રસ્ત

