Alcohol and Blood Pressure નવી દિલ્હી: શું તમે પણ એવું માનો છો કે ઓછી માત્રામાં આલ્કોહોલનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક નથી? તો આ માન્યતા હવે બદલવાનો સમય આવી ગયો છે. તાજેતરમાં ‘હાઈપરટેન્શન’ (American Heart Association Journal) માં પ્રકાશિત થયેલા એક મહત્વપૂર્ણ સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, રોજિંદા માત્ર એક ડ્રિંકનું સેવન પણ વ્યક્તિના બ્લડ પ્રેશર (Blood Pressure) અને કોલેસ્ટ્રોલ (Cholesterol) સ્તરને વધારી શકે છે, જે ભવિષ્યમાં હાર્ટ એટેક (Heart Attack) અને સ્ટ્રોક (Stroke) નું કારણ બની શકે છે.
Alcohol and Blood Pressure સંશોધન અને તેના મુખ્ય તારણો
આ સ્ટડીમાં અમેરિકા, જાપાન અને દક્ષિણ કોરિયાના ૧૯,૫૪૮ થી વધુ લોકોના ડેટાનો વર્ષો સુધી અભ્યાસ કરવામાં આવ્યો હતો. સંશોધકોએ નોંધ્યું કે આલ્કોહોલનું સેવન અને બ્લડ પ્રેશર વચ્ચે સીધો સંબંધ છે. જેમ જેમ રોજિંદુ આલ્કોહોલનું પ્રમાણ વધે છે, તેમ તેમ સિસ્ટોલિક બ્લડ પ્રેશર (Systolic Blood Pressure) માં પણ નોંધપાત્ર વધારો થાય છે. આ સંશોધનના મુખ્ય લેખક અને પ્રોફેસર માર્કો વિન્સેટી (Professor Marco Vinceti) એ જણાવ્યું હતું કે, આલ્કોહોલ ન પીનારાઓની સરખામણીએ ખૂબ ઓછી માત્રામાં આલ્કોહોલ પીનારાઓમાં પણ બ્લડ પ્રેશરમાં નકારાત્મક બદલાવ જોવા મળ્યા છે.
શારીરિક અસરો અને તફાવત
રિસર્ચ મુજબ, જે લોકો દરરોજ અંદાજે ૧૨ ગ્રામ આલ્કોહોલ લેતા હતા, તેમનું સિસ્ટોલિક બ્લડ પ્રેશર સરેરાશ ૧.૨૫ mm Hg વધ્યું હતું. જ્યારે દરરોજ ૪૮ ગ્રામ આલ્કોહોલ લેનારાઓમાં આ વધારો ૪.૯ mm Hg સુધી નોંધાયો હતો. અભ્યાસમાં એ પણ જોવા મળ્યું કે પુરુષોમાં ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર (Diastolic Blood Pressure) પર વધુ અસર જોવા મળી હતી. નિષ્ણાતોના મતે, આલ્કોહોલ બ્લડ પ્રેશર વધારવા પાછળનું એક મોટું અને ગંભીર પરિબળ છે.
તંદુરસ્ત જીવનશૈલી માટે સલાહ
નિષ્ણાતો અને વર્લ્ડ હાઈપરટેન્શન લીગ (World Hypertension League) ના પ્રમુખ પ્રોફેસર પોલ વ્હેલન (Professor Paul Whelton) ના જણાવ્યા મુજબ, જે લોકોનું બ્લડ પ્રેશર પહેલેથી જ થોડું વધારે હોય છે, તેમના પર આલ્કોહોલની અસર વધુ ઝડપથી અને ગંભીર રીતે થાય છે. નિષ્ણાતો સલાહ આપે છે કે માત્ર આલ્કોહોલનું સેવન ટાળવું જ પૂરતું નથી, પરંતુ અન્ય જીવનશૈલીના ફેરફારો જેવા કે:
-
નિયમિત કસરત કરવી.
-
સંતુલિત આહાર (Healthy Diet) લેવો.
-
ધુમ્રપાન (Smoking) છોડવું.
-
શરીરનું વજન નિયંત્રિત રાખવું.
આ તમામ ઉપાયો હૃદયની બીમારીઓ સામે રક્ષણ મેળવવામાં મદદરૂપ થઈ શકે છે. નિષ્ણાતો સ્પષ્ટ કહે છે કે જો શક્ય હોય તો આલ્કોહોલથી સંપૂર્ણપણે દૂર રહેવું એ જ હૃદયના સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.
આ પણ વાંચો: PoJK માં ત્રાહિમામ પોકારતી જનતા: પાયાની સુવિધાઓ માટે પાકિસ્તાન સરકાર સામે આર-પારની લડાઈ!

