Bhupendra Patel Tribal Outreach અંતર્ગત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાહોદ જિલ્લાના આદિવાસી બહુલ વિસ્તારોમાં ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન ગ્રામજનો અને આદિવાસી પરિવારો સાથે મુલાકાત કરી હતી. આ પ્રવાસમાં તેઓ પરિવારોના ઘરે પહોંચ્યા, તેમની સાથે ભોજન કર્યું અને ખેતી, બાળકોના શિક્ષણ, આજીવિકા તથા સ્થાનિક સુવિધાઓ અંગે વાતચીત કરી હતી.
પ્રવાસના પ્રથમ દિવસે મુખ્યમંત્રી સરાબલી ગામમાં એક આદિવાસી પરિવારના ઘરે પહોંચ્યા હતા. તેમણે પરિવારના સભ્યોના ખબરઅંતર પૂછ્યા અને ખેતી, હવામાન, બાળકોના અભ્યાસ તથા રમતગમત અંગે ચર્ચા કરી હતી.
બીજા દિવસે રતનમહાલ પ્રોજેક્ટની મુલાકાત બાદ રતનમહાલથી ગરબાડા જતાં માર્ગમાં તેમણે પિપર ગોટા ગામમાં અચાનક રોકાણ કર્યું હતું. ત્યાંથી કાચા રસ્તે ચાલીને તેઓ ખેડૂત બકુલભાઈ વાખળાના ઘરે પહોંચ્યા હતા. પરિવાર સાથે ખેતી અને રોજગાર અંગે વાતચીત કર્યા બાદ મુખ્યમંત્રીએ પરંપરાગત આદિવાસી ભોજન પણ લીધું હતું.
Bhupendra Patel Tribal Outreach દરમિયાન આંગણવાડીની પણ મુલાકાત
મુખ્યમંત્રીએ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પિપરગોટા ગામમાં આવેલા નંદઘર-આંગણવાડી કેન્દ્રની પણ અચાનક મુલાકાત લીધી હતી. અહીં તેમણે બાળકોને મળતી સુવિધાઓ, નાસ્તાની ગુણવત્તા અને પોષણયુક્ત આહારની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. બાળકોના સ્વાસ્થ્ય અને પોષણ અંગે પણ માહિતી મેળવી હતી.
આદિવાસી સમુદાય સુધી પહોંચવાના પ્રયાસો અંગે ગુજરાત ભાજપના મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલ પટેલે જણાવ્યું હતું કે બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે 11થી 18 નવેમ્બર દરમિયાન જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને અન્ય નેતાઓએ ભાગ લીધો હતો.
બીજી તરફ, સરકારના આંકડા મુજબ છેલ્લા પાંચ વર્ષમાં પ્રી-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ 438.27 કરોડ રૂપિયાના ખર્ચે 58.38 લાખથી વધુ આદિવાસી વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવી છે. પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ 420.28 કરોડ રૂપિયાના ખર્ચે 32,226 આદિવાસી વિદ્યાર્થિનીઓને મદદ મળી છે. આ યોજનામાં આવક મર્યાદા 2.50 લાખથી વધારીને 6 લાખ રૂપિયા કરવામાં આવી છે.

