અમદાવાદમાં ડ્રગ્સ માફિયાઓનું Dark Web Network ઝડપાયું, 24 વેબસાઈટ અને 5 Telegram ચેનલ તપાસ હેઠળ

Dark Web Drug Network

Dark Web Drug Network અંગે અમદાવાદ સાયબર ક્રાઈમની તપાસમાં મહત્ત્વની વિગતો સામે આવી છે. ડ્રગ્સના ગેરકાયદે વેચાણ માટે આંતરરાષ્ટ્રીય માફિયાઓ ડાર્ક વેબસાઈટ અને ટેલિગ્રામ ચેનલોનો ઉપયોગ કરતા હોવાની માહિતી મળી છે. તપાસ દરમિયાન આવી 24 ડાર્ક વેબસાઈટ અને 5 ટેલિગ્રામ ચેનલો સામે આવી છે, જેના આધારે સાયબર ક્રાઈમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

સાયબર ક્રાઈમના ટેકનિકલ વિશ્લેષણમાં નેટવર્કની વિગતો

અમદાવાદમાં અગાઉ પકડાયેલા હાઈબ્રિડ ગાંજા અને અન્ય ડ્રગ્સના જથ્થાના કેસોમાં નાણાકીય વ્યવહારો ક્રિપ્ટોકરન્સી તથા અન્ય ઓનલાઈન માધ્યમથી થતા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. ડ્રગ્સના ઓર્ડર ડાર્ક વેબ પરથી આપવામાં આવતા હોવાની માહિતી પણ મળી હતી.

આ ઉપરાંત, ટેલિગ્રામ ચેનલો પર કોડવર્ડનો ઉપયોગ કરીને ડ્રગ્સના સપ્લાયનું નેટવર્ક ચલાવવામાં આવતું હોવાની વિગતો સામે આવી હતી. આ બાબતને ધ્યાનમાં રાખીને અમદાવાદ સાયબર ક્રાઈમ સેલના સોશિયલ મીડિયા મોનિટરિંગ યુનિટે ટેકનિકલ વિશ્લેષણ અને બાતમીના આધારે તપાસ શરૂ કરી હતી.

Dark Web Drug Network: ટેલિગ્રામ પર ડ્રગ્સના ભાવ અને ડિલિવરીની વિગતો

તપાસમાં મળી આવેલી પાંચ ટેલિગ્રામ ચેનલોમાં કોકેઈન, હાઈબ્રિડ ગાંજો, એમડી, એલએસડી અને કેટામાઈન જેવા નશીલા પદાર્થોના ભાવ, ફોટોગ્રાફ્સ અને ડિલિવરી સંબંધિત વિગતો પોસ્ટ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

એક ટેલિગ્રામ ગ્રુપમાં ઓર્ડર આપવા માટે ગ્રાહકોને સરનામું મોકલવાનું કહેવામાં આવતું હતું. તેમાં કુલ રકમના 50 ટકા અગાઉથી અને બાકીના 50 ટકા ડિલિવરી બાદ ચૂકવવાની ઓફર હતી. પેમેન્ટ માટે ક્રિપ્ટોકરન્સી, ગિફ્ટકાર્ડ, વેસ્ટર્ન યુનિયન અને મનીગ્રામ જેવી સેવાઓની લિંક્સ આપવામાં આવતી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

માફિયાઓ સુધી પહોંચવા તપાસ તેજ

ટેલિગ્રામ ચેનલો ઉપરાંત 24 ડાર્ક વેબસાઈટની વિગતો પણ તપાસ એજન્સીઓના ધ્યાનમાં આવી છે. આ પ્લેટફોર્મ સાથે જોડાયેલી નાણાકીય વ્યવહારોની લિંક્સ અને મોબાઈલ નંબરોના આધારે નેટવર્કની મુખ્ય કડીઓ શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

હાલ આ તપાસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓ સુધી પહોંચવા માટે સાયબર ક્રાઈમ દ્વારા વધુ ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જોકે, આ નેટવર્કમાં સંડોવાયેલા લોકોની ઓળખ અને ધરપકડ અંગેની વિગતો આપવામાં આવી નથી.

Gujarat Groundwater Crisis: ગુજરાતમાં ભૂગર્ભજળનું સ્તર ચિંતાજનક