ચાંદખેડા ઢોસાકાંડ: બે માસૂમ બાળકીઓના મોતના કેસમાં FSL રિપોર્ટનો ઈન્તજાર, માતા-પિતાનો થશે લાઇ ડિટેક્ટર ટેસ્ટ

ચાંદખેડા ઢોસાકાંડ

ચાંદખેડા ઢોસાકાંડ:  અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બહારથી ખીરું લાવીને ઢોસા ખાધા બાદ બે માસૂમ બાળકીઓના કરુણ મોત અને માતા-પિતાની તબિયત લથડવાના મામલે પોલીસ તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. ઘટનાના આઠ દિવસ બાદ પણ પોલીસ કોઈ નક્કર પુરાવા કે નિષ્કર્ષ સુધી પહોંચી શકી નથી, પરંતુ હવે આ સસ્પેન્સભર્યા કેસમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે.

ચાંદખેડા ઢોસાકાંડ:  નિવેદનોમાં ગોટાળા, હવે થશે લાઇ ડિટેક્ટર ટેસ્ટ

મૃતક બાળકીઓના માતા ભાવના અને પિતા વિમલ પ્રજાપતિની પોલીસે સઘન પૂછપરછ કરી છે. જોકે, બંનેના જવાબો અને બોલવાની ‘પેટર્ન’ એકસરખી અને ગોખેલી લાગતી હોવાથી પોલીસની શંકા વધુ ઘેરી બની છે. પોલીસને આશંકા છે કે પરિવાર દ્વારા કોઈ મોટું સત્ય છુપાવવામાં આવી રહ્યું છે. આ વિસંગતતાઓને પગલે હવે પોલીસે બંનેનો લાઇ ડિટેક્ટર ટેસ્ટ (Lie Detector Test) કરાવવાનો મહત્વનો નિર્ણય લીધો છે.

FSL રિપોર્ટ પર ટકેલી છે સૌની નજર

આ કેસમાં બાળકીઓના મોતના સચોટ કારણો અને શરીરમાં ગયેલા ઝેરી તત્વો અંગેનો સત્તાવાર FSL રિપોર્ટ સોમવારે (13 એપ્રિલ) આવે તેવી પ્રબળ શક્યતા છે. અગાઉ, મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના પ્રાથમિક રિપોર્ટમાં ‘એલ્યુમિનિયમ ફોસ્ફાઇટ’ (Aluminium Phosphide) ના અંશ મળી આવ્યા હતા. આ મામલો હત્યાનો છે કે પછી સામૂહિક આપઘાતનો પ્રયાસ, તે દિશામાં FSL રિપોર્ટ ખૂબ જ નિર્ણાયક સાબિત થશે.

50થી વધુ CCTV ફૂટેજની સઘન તપાસ

આ કેસમાં પિતા વિમલની ભૂમિકા શરૂઆતથી જ શંકાના ઘેરામાં રહી છે. સત્ય સુધી પહોંચવા માટે પોલીસે ઘટનાના પાંચ દિવસ પહેલાના વિમલના લોકેશન ટ્રેસ કર્યા છે અને તેની મૂવમેન્ટ જાણવા વિસ્તારના 50થી વધુ CCTV ફૂટેજ પણ ઝીણવટપૂર્વક ચકાસ્યા છે. બીજી તરફ, હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી માતા ભાવનાની તબિયતમાં સુધારો થતા તેને જલ્દી જ રજા અપાય તેવી સંભાવના છે.

આ પણ વાંચો: લખતર-વિરમગામ હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં 7 પદયાત્રીઓના મોત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *