Cheetah in Gujarat Banni : ગુજરાત હવે વન્યજીવન ક્ષેત્રે એક એવું સીમાચિહ્ન સ્થાપિત કરવા જઈ રહ્યું છે જે દેશના અન્ય કોઈ રાજ્ય પાસે નથી. ટૂંક સમયમાં જ ગુજરાતમાં ચિત્તાનું આગમન થશે, જેનાથી ગુજરાત સિંહ, દીપડા, વાઘ અને ચિત્તા એમ ચારેય મોટી બિલાડીઓ (Big Cats) ધરાવતું દેશનું એકમાત્ર રાજ્ય બની જશે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) એ કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તા લાવવા માટે લીલી ઝંડી આપી દીધી છે.
Cheetah in Gujarat Banni : જુલાઈ-ઓગસ્ટમાં ચાર મહેમાનોનું આગમન
સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકારના અંતિમ નિર્ણય બાદ બે નર અને બે માદા ચિત્તા જુલાઈ અથવા ઓગસ્ટ મહિનામાં ગુજરાત આવી પહોંચશે. મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્ક બાદ ગુજરાત હવે ચિત્તાઓનું બીજું ઘર બનવા જઈ રહ્યું છે. પ્રથમ તબક્કામાં ચાર ચિત્તા આવ્યા બાદ, એક વર્ષમાં કુલ 12 ચિત્તાઓને બન્નીમાં લાવવાની મહત્વાકાંક્ષી યોજના છે.
કેન્યાથી આવશે ખાસ પ્રજાતિના ચિત્તા
ગુજરાતમાં જે ચિત્તાઓ લાવવામાં આવશે તે કેન્યાથી આવશે. આ ચિત્તાઓ મધ્ય પ્રદેશના નામિબિયન ચિત્તાઓ કરતા અલગ આનુવંશિક અને પર્યાવરણીય વંશાવળી ધરાવે છે. આ ચિત્તાઓ સૌપ્રથમ ભુજ એરપોર્ટ આવશે અને ત્યાંથી તેમને ભારતના પ્રથમ ‘ચિત્તા કન્ઝર્વેશન બ્રીડિંગ સેન્ટર’ (બન્ની ફેસિલિટી) ખાતે લઈ જવામાં આવશે. મુખ્ય એન્ક્લોઝરમાં છોડતા પહેલા તેમને એક મહિના માટે ક્વોરેન્ટાઇન કરવામાં આવશે.
બન્નીમાં ‘સવાન્ના’ જેવો આવાસ અને હાઈટેક વ્યવસ્થા
ચિત્તાઓ માટે બન્નીમાં ખાસ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે:
વિશાળ એન્ક્લોઝર: 500 હેક્ટરમાં ફેલાયેલું મુખ્ય એન્ક્લોઝર કેન્યાના સવાન્ના ઘાસના મેદાન જેવું તૈયાર કરાયું છે.
સુરક્ષા કવચ: ચિત્તાઓ બહાર ન નીકળી જાય અને અન્ય હિંસક પ્રાણીઓ અંદર ન પ્રવેશે તે માટે 9,830 મીટર લાંબી મજબૂત તારની ફેન્સિંગ કરવામાં આવી છે.
બ્રીડિંગ સેન્ટર: નર અને માદા માટે અલગ એન્ક્લોઝર, માદા માટે ગુફા અને બચ્ચાના ઉછેર માટે ખાસ ‘કેપ્સ્યુલ’ જેવી સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે.
મેડિકલ ઝોન: વેટરનરી ઝોન અને પ્રાણીઓની વર્તણૂક પર દેખરેખ માટે આઈસોલેશન ચેમ્બર્સ પણ બનાવવામાં આવ્યા છે.
નોંધનીય છે કે વન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે તૈયારીઓ ચાલી રહી છે અને NTCA ની ટીમે તાજેતરમાં બે દિવસ બન્નીમાં રોકાઈને લોજિસ્ટિક્સ અને વસવાટની સમીક્ષા કરી છે. કેન્દ્રીય મંજૂરી મળી ગઈ હોવાથી હવે માત્ર તારીખની સત્તાવાર જાહેરાતની જ રાહ જોવાઈ રહી છે.

