Suvendu Adhikari Oath Ceremony : પશ્ચિમ બંગાળના રાજકારણમાં આજે એક મોટો અને ઐતિહાસિક બદલાવ આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીના (BJP) દિગ્ગજ નેતા શુભેન્દુ અધિકારીએ (Suvendu Adhikari) આજે કોલકાતાના ઐતિહાસિક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. આ સાથે જ રાજ્યમાં છેલ્લા 15 વર્ષથી ચાલતા TMC શાસનનો અંત આવ્યો છે અને બંગાળની કમાન હવે સત્તાવાર રીતે ભાજપના હાથમાં આવી ગઈ છે.
Suvendu Adhikari Oath Ceremony: PM મોદી સહિતના દિગ્ગજો રહ્યા ઉપસ્થિત
આ ભવ્ય શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમના ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા સહિતના અનેક દિગ્ગજ નેતાઓએ હાજરી આપી હતી.
#WATCH Kolkata | BJP leader Suvendu Adhikari greets PM Narendra Modi and other senior leaders of the NDA after taking oath as the Chief Minister of West Bengal pic.twitter.com/xjgOgTh6U9
— ANI (@ANI) May 9, 2026
આ નેતાઓએ પણ લીધા મંત્રી પદના શપથ
પશ્ચિમ બંગાળના રાજ્યપાલ આર.એન. રવિએ શુભેન્દુ અધિકારીને મુખ્યમંત્રી પદના ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. તેમની સાથે ભાજપના અન્ય અગ્રણી નેતાઓ દિલીપ ઘોષ, અગ્નિમિત્રા પૉલ, નિસિથ પ્રામાણિક અને શંકર ઘોષે પણ મંત્રી પદના શપથ લીધા હતા. નોંધનીય છે કે, પ્રોટોકોલ મુજબ પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીને પણ આ સમારોહનું આમંત્રણ મોકલવામાં આવ્યું હતું, જેમને શુભેન્દુ અધિકારીએ હાઈ-વોલ્ટેજ જંગમાં ભવાનીપુર બેઠક પરથી હરાવ્યા હતા.
વિધાનસભા ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત
ઉલ્લેખનીય છે કે અગાઉ 8 મેના રોજ ગૃહમંત્રી અમિત શાહ કોલકાતા પહોંચ્યા હતા, જ્યાં તેમની હાજરીમાં શુભેન્દુ અધિકારીને સર્વાનુમતે વિધાયક દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમણે રાજ્યપાલને મળીને ધારાસભ્યોના સમર્થનનો પત્ર સોંપી નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. તાજેતરમાં યોજાયેલી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 207 બેઠકો જીતીને પ્રચંડ બહુમતી મેળવી હતી, જ્યારે TMC માત્ર 80 બેઠકો પર સમેટાઈ ગઈ હતી.
આ પણ વાંચો: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ભંગ: રાજ્યપાલે મમતા બેનર્જીની કેબિનેટને કરી બરતરફ

