Gujarat PFAS Pollution: ગુજરાતની નદીઓ અને ભૂગર્ભજળમાં ‘ફોરેવર કેમિકલ્સ’ની ચિંતા, NGTએ માગ્યો જવાબ

Gujarat PFAS Pollution

Gujarat PFAS Pollution અંગે ગુજરાતમાં ચિંતા વધી છે. ઔદ્યોગિક પ્રવૃત્તિઓને કારણે નદીઓ અને ભૂગર્ભજળમાં PFAS નામના ‘ફોરેવર કેમિકલ્સ’ ભળવાની શક્યતા અંગે પ્રકાશિત થયેલા અભ્યાસ બાદ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)એ ગંભીર નોંધ લીધી છે. ગુજરાત સહિત મહારાષ્ટ્ર, તામિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં જળસ્ત્રોતોમાં આ રસાયણોની હાજરી અંગે ટ્રિબ્યુનલે કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય અને કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) પાસે ખુલાસો માગ્યો છે.

Hazardous Materials Advances જર્નલમાં પ્રકાશિત અભ્યાસ બાદ આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે. ગુજરાતમાં કેમિકલ, ફાર્માસ્યુટિકલ, ટેક્સટાઇલ, પેઇન્ટ્સ અને અન્ય ઉદ્યોગોમાંથી નીકળતા પ્રવાહી કચરાને PFASના સંભવિત સ્ત્રોત તરીકે દર્શાવવામાં આવ્યા છે. ખાસ કરીને કાપડને વોટરપ્રૂફ અને ડાઘ-પ્રતિરોધક બનાવવા વપરાતા ફ્લોરિનેટેડ કોટિંગ્સ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

Gujarat PFAS Pollution: નદીઓના પાણીમાં રસાયણોની તપાસનો સવાલ

આ અહેવાલ મુજબ સાબરમતી, મહી, નર્મદા અને તાપી જેવી નદીઓ તેમજ શહેરોના ભૂગર્ભજળમાં PFASનું પ્રમાણ કેટલું છે, તેનો સત્તાવાર ડેટાબેઝ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) પાસે ઉપલબ્ધ નથી. ઔદ્યોગિક કચરામાં આ રસાયણોની મહત્તમ મર્યાદા નક્કી કરતા કાયદેસરના ધોરણોનો પણ અભાવ હોવાનું જણાવાયું છે.

PFASને ‘ફોરેવર કેમિકલ્સ’ કહેવામાં આવે છે, કારણ કે તેમાં રહેલા કાર્બન-ફ્લોરિન બોન્ડ અત્યંત મજબૂત હોય છે. પરિણામે આ રસાયણો પર્યાવરણમાં લાંબા સમય સુધી ટકી શકે છે. ફૂડ પેકેજિંગ, નોન-સ્ટીક વાસણો, કોસ્મેટિક્સ અને કેટલાક ઔદ્યોગિક ઉપયોગોમાં પણ તેનો ઉપયોગ થતો હોવાનો ઉલ્લેખ છે.

નિષ્ણાતોના મતે, લાંબા સમય સુધી PFASના સંપર્કમાં રહેવાથી હોર્મોનલ અસંતુલન, થાઇરોઇડ અને લીવરની સમસ્યાઓ તેમજ પ્રજનન ક્ષમતા પર અસર થવાનું જોખમ હોઈ શકે છે. કેટલાક PFAS સંયોજનોનો ચોક્કસ પ્રકારના કેન્સર સાથે પણ સંબંધ અભ્યાસોમાં દર્શાવવામાં આવ્યો છે.

હવે NGTની નોંધ બાદ સંબંધિત કેન્દ્રીય સંસ્થાઓ અને રાજ્ય સરકાર પાસેથી મળનારા જવાબ પર નજર રહેશે. પાણીમાં PFASની મહત્તમ મર્યાદા નક્કી કરવા અને તેની નિયમિત તપાસ માટે નવા નિયમો ઘડાશે કે નહીં તે અંગે હજી સત્તાવાર નિર્ણયની માહિતી ઉપલબ્ધ નથી.

ઇટાલીમાં સોનિયા ગાંધીનું બાળપણનું ઘર બનશે મ્યુઝિયમ!