Deesa Blast Case: ડીસાના ઢુંવા રોડ પર મંગળવારે ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતા 21 શ્રમિકોના દુખદ મોત થયા હતા. ગેરકાયદે ચાલતી આ ફેક્ટરીનો મુદ્દો માત્ર ગુજરાતમાં જ નહીં, પણ આખા દેશમાં ચર્ચાનો વિષય બની ગયો છે. ગુજરાતમાંથી એક માત્ર કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે લોકસભાના અધ્યક્ષને પત્ર લખી, આ મુદ્દો સંસદમાં ઉઠાવવાની મંજૂરી માગી છે.
સરકારની નિષ્ફળતાનો આરોપ
ગેનીબેન ઠાકોરે પત્રમાં લખ્યું કે, ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં લાગી ગયેલી આગના કારણે બિચારા શ્રમિકોએ જીવ ગુમાવ્યા. આ માત્ર એકલી ઘટના નથી, પરંતુ અગાઉ સુરત તક્ષશિલા અગ્નિકાંડ, મોરબી પુલ દુર્ઘટના અને રાજકોટ ગેમ ઝોન આગ જેવી મોટી દુર્ઘટનાઓ ગુજરાતમાં બની ચૂકી છે. ગેનીબેને આરોપ મૂક્યો કે, “ભાજપ સરકાર ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે, જો યોગ્ય પગલાં લેવાય હોત, તો આવી ઘટનાઓ અટકાવી શકાઇ હોત.”
તેમણે સરકારને આ ઘટનાની ઊંડી તપાસ કરવા, ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવા અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાનું આગ્રહપૂર્વક માંગણી કરી. સાથે જ, ગેનીબેને સંસદમાં આ મુદ્દો ઉઠાવવાની અને મૃતકોના પરિવારજનોને શક્ય તેટલી સહાયતા આપવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
ડીસા બ્લાસ્ટ મામલે સરકારની કામગીરી
ડીસા બ્લાસ્ટની ગંભીરતા જોતા રાજ્ય સરકારે SITની રચના કરી છે, અને મૃતકોના પરિવારજનોને સહાય આપવાની જાહેરાત કરી છે. કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું કે, મૃતકોના મૃતદેહોની ઓળખ કર્યા બાદ તેમને મધ્ય પ્રદેશના દેવાસ અને હરદા જિલ્લાના તેમના વતનમાં મોકલવામાં આવ્યા હતા.
આ દુર્ઘટનાએ રાજ્યમાં કાયદા-વ્યવસ્થાની હાલત, ગેરકાયદે ફેક્ટરીઓ અને કામદારોની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. હવે જોવાનું એ રહેશે કે ગેનીબેન ઠાકોર દ્વારા સંસદમાં ઉઠાવવામાં આવનાર આ મુદ્દાને સરકાર કેવી રીતે સંબોધે છે.