Gujarat Government: ગુજરાત સરકારે ફરી એકવાર ખેડૂતોની માંગણીને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય કર્યો છે. રાજ્યમાં તુવેરની ટેકાના ભાવે ખરીદી ચાલુ છે, અને કોઈપણ ખેડૂત તેના લાભથી વંચિત ન રહી જાય તે માટે રાજ્ય સરકારે ખરીદીની મુદત વધારી છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ, હવે તુવેરની ખરીદીની સમયમર્યાદા 30 એપ્રિલ 2025 સુધી લંબાવવામાં આવી છે.
ખેતી માટે સરકારી સહાય
ગુજરાતના ખેડૂતો માટે આ નિર્ણય મોટી રાહત લાવશે. રાજ્યમાં ચાલુ વર્ષે તુવેરનું મોટાપાયે વાવેતર અને ઉત્પાદન નોંધાયું છે. કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન હેઠળ તુવેર માટે ₹7,550 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે.
ટેકાના ભાવ મળતા ગુજરાતના 1.23 લાખથી વધુ ખેડૂતો ટેકાના ભાવે તુવેર વેચવા માટે નોંધણી કરાવી ચુક્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 24 ફેબ્રુઆરી 2025થી રાજ્યભરમાં તુવેર ખરીદી અભિયાન શરુ કરાવ્યું હતું, અને અત્યાર સુધીમાં 58,300થી વધુ ખેડૂતો પાસેથી ₹841 કરોડથી વધુની 1.11 લાખ મેટ્રિક ટન તુવેર ખરીદાઈ ચુકી છે.
આગામી મુદત અને ખરીદીની પ્રક્રિયા
જે ખેડૂતોની નોંધણી થઈ ગઈ છે, પરંતુ હજુ સુધી વેચાણ કર્યુ નથી, તેઓ 30 એપ્રિલ 2025 સુધી તુવેર વેચી શકશે.
આ નિર્ણય ખેડૂતો માટે નાણાકીય સુરક્ષા વધારશે અને તુવેરના વાણિજ્યિક મૂલ્યમાં સુધારો કરશે.
આ નિર્ણયથી ગુજરાતના ખેડૂતો માટે નફાકારક અને સલામત ખેતીની દિશામાં વધુ એક પગથિયું જોડાયું છે.