Dhandhuka Hindu Youth Murder : અમદાવાદ જિલ્લાના ધંધુકામાં ફરી એકવાર કોમી તંગદીલીનો માહોલ સર્જાયો છે. વાહન ઓવરટેક કરવા જેવી તદ્દન સામાન્ય બાબતમાં એક હિન્દુ યુવકની ઘાતકી હત્યા કરી દેવામાં આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. હત્યા બાદ રોષે ભરાયેલા ટોળાએ આગચંપી અને તોડફોડ કરતા પોલીસે સમગ્ર શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.
સામાન્ય બોલાચાલીમાં ધર્મેશ ગમારાની હત્યા
મળતી માહિતી મુજબ, મૃતક યુવકનું નામ ધર્મેશ ગમારા હોવાનું સામે આવ્યું છે. વાહન ઓવરટેક કરવાની બાબતે થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આ હત્યા નીપજાવવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસે ત્વરિત એક્શન લઈને હત્યાના મુખ્ય આરોપી રિઝવાનની ધરપકડ કરી લીધી છે અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

Dhandhuka Hindu Youth Murder: આગચંપી અને તોડફોડ બાદ પોલીસ છાવણીમાં ફેરવાયું ધંધુકા
હત્યાના બનાવ બાદ બંને કોમના લોકો સામસામે આવી જતા પરિસ્થિતિ વણસી ગઈ હતી. રોષે ભરાયેલા લોકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા અને શહેરમાં અનેક દુકાનો તથા વાહનોને આગ ચાંપી દીધી હતી. ઘટનાની ગંભીરતા જોતા અમદાવાદ જિલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ અધિકારીઓનો મોટો કાફલો તાત્કાલિક ધંધુકા દોડી ગયો હતો. હાલ સમગ્ર વિસ્તારમાં અને સંવેદનશીલ સ્થળોએ પોલીસનું સતત પેટ્રોલિંગ ચાલુ છે અને સીસીટીવીને આધારે તોડફોડ કરનારા તત્વોની ઓળખ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
કિશન ભરવાડ કેસ બાદ બીજી ઘટનાથી હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ
અત્રે નોંધનીય છે કે, અગાઉ ધંધુકામાં જ બનેલી કિશન ભરવાડની હત્યાની ઘટનાથી સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. આ ઘટના બાદ હવે આ બીજી સમાન ઘટના બનતા સ્થાનિક હિન્દુ સંગઠનો અને રહીશોમાં ભારે ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે. જેને પગલે પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે પોલીસે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે.

