Education Department Guidelines : ગુજરાતમાં સતત વધી રહેલી ગરમીના કારણે હવે રાજ્યના શિક્ષણ વિભાગે સ્કૂલો માટે ખાસ માર્ગદર્શિકા (ગાઇડલાઇન) બહાર પાડી છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીને વટાવી ચૂક્યું છે, જેના પગલે વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
વિદ્યાર્થીઓને હીટવેવની માહિતી આપવી ફરજિયાત
શિક્ષણ વિભાગે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને એક સત્તાવાર પત્ર મોકલ્યો છે, જેમાં જણાવાયું છે કે ‘ગુજરાત હીટ એક્શન પ્લાન 2025’ના અનુસંધાને હીટવેવને ‘સાઈલન્ટ ડિઝાસ્ટર’ તરીકે જોવામાં આવે છે. તેથી દરેક સ્કૂલે પોતાની સ્કૂલી પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓને હીટવેવ શું છે, તેની અસર શું થઈ શકે અને તેનાથી કેવી રીતે બચી શકાય તે અંગે માહિતી આપવી પડશે.
ઓપન એર ક્લાસીસ પર રોક, સમયમર્યાદામાં ફેરફાર
શિક્ષણ વિભાગે સ્પષ્ટ જણાવ્યું છે કે ઉનાળાની ઋતુ દરમિયાન ઓપન એર વર્ગો યોજવા પર પ્રતિબંધ રહેશે. તાપમાન વધારે હોવાથી ખુલ્લામાં વર્ગો લેવી નુકસાનકારક સાબિત થઈ શકે છે. સાથે જ સ્કૂલના સમયગાળામાં પણ જરૂરી તેટલો ફેરફાર કરવાની છૂટ આપવામાં આવી છે.
સવારે વર્ગો લેવા માટે રજૂ થઈ માંગ
વિભાગે એવી પણ જાણકારી આપી છે કે અગાઉથી જ કેટલાક સ્કૂલો તરફથી બપોરની જગ્યાએ સવારમાં વર્ગો લેવાની માંગ કરવામાં આવી હતી. હવે સ્કૂલ સમય સવારે 7:30થી બપોરે 12:00 સુધી રાખવા અંગે સૂચના આપવામાં આવી છે, જેથી ગરમ વિસ્તારમાં બાળકોને સલામત રાખી શકાય.