Kangana Ranaut: બોલિવૂડ કવીન અને હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપના સાંસદ કંગના રનૌત આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ ‘ભારત ભાગ્ય વિધાતા’ (Bharat Bhhagya Viddhaata) ને લઈને ભારે ચર્ચામાં છે. મુંબઈમાં યોજાયેલા એક ભવ્ય ઈવેન્ટમાં આ ફિલ્મનું શાનદાર ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે, જેને દર્શકો તરફથી ખૂબ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. જોકે, ટ્રેલર લોન્ચ ઈવેન્ટ દરમિયાન કંગના રનૌતે બોલિવૂડ એક્ટર જોન અબ્રાહમને લઈને એક મોટો ખુલાસો કર્યો છે અને પબ્લિકલી તેમનો આભાર માન્યો છે.
જોન અબ્રાહમે મફતમાં આપ્યું ફિલ્મનું ટાઈટલ
Kangana Ranaut કંગના રનૌતે ઈવેન્ટમાં જણાવ્યું કે, આ ફિલ્મ જોન અબ્રાહમના સપોર્ટ વિના ક્યારેય આ સ્વરૂપમાં બની શકી ન હોત. કંગનાએ ખુલાસો કર્યો કે આ ફિલ્મનું ટાઈટલ ‘ભારત ભાગ્ય વિધાતા’ તેને જોન અબ્રાહમે આપ્યું છે અને તે પણ એક પણ રૂપિયો લીધા વિના (તદ્દન ફ્રીમાં).
પહેલા ફિલ્મનું નામ કંઈક અલગ જ હતું
પોતાનો અનુભવ શેર કરતા કંગનાએ કહ્યું, “મારે એક ખાસ વ્યક્તિનો આભાર માનવો છે. જ્યારે મને આ ફિલ્મની ઓફર મળી ત્યારે તેનું નામ ‘નર્સીસ ઓફ કામા’ (Nurses of Cama) રાખવામાં આવ્યું હતું. પરંતુ જ્યારે અમે તેની આખી વાર્તા સાંભળી, ત્યારે અમને લાગ્યું કે આ ફિલ્મ ભારતની સાચી ભાવના અને રાષ્ટ્રવાદને દર્શાવે છે. તેથી અમે તેનું નામ બદલીને ‘ભારત ભાગ્ય વિધાતા’ રાખવા માંગતા હતા.”
તેણીએ આગળ ઉમેર્યું, “જ્યારે અમે તપાસ કરી ત્યારે ખબર પડી કે આ ટાઈટલ ઉપલબ્ધ નથી અને તેના રાઈટ્સ (Hakk) જોન સર પાસે સુરક્ષિત છે. મેં તેમને ફોન કર્યો. મને સેટ પર લોકોએ કહ્યું હતું કે સામાન્ય રીતે બોલિવૂડમાં કોઈ પોતાનું ટાઈટલ આટલી આસાનીથી આપતું નથી. પરંતુ જોન સરે માત્ર એક જ દિવસની અંદર, કોઈ પણ પ્રકારના પૈસા લીધા વિના મને આ ટાઈટલ વાપરવાની મંજૂરી આપી દીધી. આ માટે અમે જોન સરના હંમેશા આભારી રહીશું.” જોનની આ દરિયાદિલી અને મોટું દિલ જોઈને સોશિયલ મીડિયા પર ફેન્સ તેના જોરદાર વખાણ કરી રહ્યા છે.
26/11ના આતંકી હુમલા પર આધારિત છે ફિલ્મ
‘ભારત ભાગ્ય વિધાતા’ ફિલ્મ આગામી 12 જૂનના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં કંગના રનૌત એક નર્સની મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. ફિલ્મની વાર્તા મુંબઈમાં થયેલા 26/11ના ભયાનક આતંકવાદી હુમલા દરમિયાન કામા હોસ્પિટલના મેડિકલ સ્ટાફ અને નર્સોએ બતાવેલી બહાદુરી અને સંઘર્ષ પર આધારિત છે. આ ફિલ્મમાં કંગના ઉપરાંત ગિરિજા ઓક, સ્મિતા તાંબે, અમૃતા નામદેવ, ઈશા ડે, પ્રિયા બર્દે અને આદિત્ય મિશ્રા જેવા કલાકારો પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
આ પણ વાંચો: આ કારણે થયું હતું લલિત મોદી અને સુષ્મિતા સેનનું બ્રેકઅપ!

