ગુજરાત હવામાન વિભાગની આગાહી: આ દિવસથી ગાજવીજ સાથે પડશે ભારે વરસાદ

Gujarat Weather Update

Gujarat Weather Update : અસહ્ય ગરમી અને બફારાથી તોબા પોકારી ઉઠેલા ગુજરાતના નાગરિકો માટે હવામાન વિભાગ (IMD) તરફથી બહુ જ મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. સત્તાવાર અહેવાલ અનુસાર, રાજ્યમાં વરસાદી સિસ્ટમ વધુ મજબૂત બની રહી છે, જેના પગલે ૨૦ જૂનથી આગામી કેટલાક દિવસો સુધી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ, તેજ પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે હળવાથી મધ્યમ અને કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Gujarat Weather Update : ૪૦ થી ૫૦ કિમીની ઝડપે ફૂંકાશે પવન, માછીમારોને ચેતવણી 

અહેવાલ અનુસાર, વાતાવરણમાં સર્જાયેલી નવી સિસ્ટમના કારણે દક્ષિણ-પશ્ચિમી પવનો નીચલા સ્તરે સક્રિય થયા છે. હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, પ્રારંભિક તબક્કે ૪૦ થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે, જેની સાથે જ કાળાડિબાંગ વાદળોની ઘેરાબંધી વચ્ચે ભારે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે. તંત્ર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ સાવચેતી રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા છે અને દરિયો તોફાની બનવાની આશંકા વચ્ચે માછીમારોને હાલ દરિયો ન ખેડવાની કડક સૂચનાઓ આપવામાં આવી છે.

અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં મેઘરાજા બોલાવશે ધબધબાટી

સ્ટેટ વેધર બુલેટિન આધારિત અહેવાલ અનુસાર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની પ્રબળ શક્યતા છે. આ ઉપરાંત, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ જેવા કે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ મેઘમહેર જોવા મળશે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ પંથકમાં પણ વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે. વરસાદના આ ન્યૂ રાઉન્ડને પગલે તાપમાનનો પારો નીચે ગગડશે અને લોકોને ગરમીમાંથી મોટી રાહત મળશે.

આ પણ વાંચો: ‘ધારાસભ્ય હોય તો આવા’: MLA અર્જુનસિંહ ચૌહાણે દૂર કરાવી 10 વર્ષ જૂની ગટરની ગંભીર સમસ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *